સુભાષ બ્રિજને ડિસેમ્બર 2025થી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં માત્ર બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડીને નવું બનાવવાની યોજના હતી, પરંતુ બાદમાં મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના જૂના પિલરોમાં પણ તિરાડો હોવાનું જણાવતાં સમગ્ર બ્રિજને તોડી નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ખર્ચ વધીને ₹241 કરોડ થવાનો અંદાજ
બ્રિજ પ્રોજેક્ટ વિભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની આગામી બેઠકમાં રજૂ થનારી દરખાસ્તમાં જણાવ્યું છે કે અગાઉ ₹236 કરોડનો અંદાજિત ખર્ચ હવે વધીને ₹241 કરોડ થશે. એટલે, કે સમગ્ર પ્રોજેક્ટના ખર્ચમાં ₹5 કરોડનો વધારો નોંધાયો છે.
કોન્ટ્રાક્ટર યથાવત, ભાવવધારાનો ખર્ચ પણ ચૂકવાશે
દરખાસ્ત મુજબ, બ્રિજનું કામ અગાઉ પસંદ કરાયેલી દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા. લિ. કંપની જ કરશે. જોકે, સ્ટીલ, સિમેન્ટ, બિટ્યુમીન, લેબર, પીઓએલ અને અન્ય બાંધકામ સામગ્રીના વધેલા ભાવનો તફાવત પણ કોન્ટ્રાક્ટરને ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનશે બ્રિજ
નવો 8 લેનનો સુભાષ બ્રિજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવશે. બ્રિજ પૂર્ણ થયા બાદ શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વચ્ચેના વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવાનો તંત્રનો દાવો છે.



