આ વર્ષે રથયાત્રામાં સામેલ તમામ 18 હાથી પર CCTV કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાથી હાથીની આસપાસની ભીડ, લોકોની હિલચાલ અને કોઈપણ શંકાસ્પદ સ્થિતિ પર કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવશે.
આ ઉપરાંત હાથીની આસપાસ થતા અવાજનું પ્રમાણ માપવા માટે ડેસિબલ મીટર પણ લગાવવામાં આવશે. જો અવાજ મર્યાદાથી વધુ થશે તો તંત્રને તરત જ જાણ થશે અને ડીજે, બેન્ડ કે અન્ય ઘોંઘાટ પર નિયંત્રણ લાવવામાં આવશે.
ગયા વર્ષે હાથી ભડકવાથી મચી હતી નાસભાગ
2025ની રથયાત્રા દરમિયાન ખાડિયા ચાર રસ્તા નજીક વધુ પડતા ડીજે અને સિસોટીના અવાજથી એક હાથી બેકાબૂ બન્યો હતો. હાથી દોડવા લાગતા ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
રૂટ પર CP અને ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ
રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઇમની ટીમોએ રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. સરસપુર મંદિર સુધીના આશરે 8 કિલોમીટર વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગ કરીને લોકો સાથે સીધો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે ખાસ આયોજન
રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, લાઇટિંગ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે હાથી પસાર થાય ત્યારે ઊંચા અવાજના સાધનો ન વાગે તેની પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે.
મનપાએ પણ રૂટનું કર્યું નિરીક્ષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને મંદિર ટ્રસ્ટીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જર્જરિત મકાનોની કામગીરી, રસ્તાના સમારકામ અને વૃક્ષોના ટ્રિમિંગ જેવી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તંત્રનું લક્ષ્ય છે, કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય.




Leave a Comment