સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી ખાડી પૂરની ગંભીર સ્થિતિને પગલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મુલાકાત દરમિયાન યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં શહેરને આ કાયમી સમસ્યામાંથી રાહત અપાવવા માટે ₹500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. સાથે જ, ખાડી કિનારાના ગેરકાયદે દબાણો દૂર કરવા અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
ધારાસભ્યોની રજૂઆત બાદ અધિકારીઓ પર CM નારાજ
સમીક્ષા બેઠક દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક ધારાસભ્યોએ વહીવટી તંત્રની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્યોની રજૂઆતો સાંભળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર નારાજ થયા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી સર્જાય તો જવાબદાર અધિકારીઓ સામે માત્ર ખાતાકીય નહીં, પરંતુ જરૂર પડે તો ફોજદારી પગલાં પણ લેવામાં આવશે.
₹500 કરોડના પેકેજનો ક્યાં થશે ઉપયોગ?
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ₹500 કરોડના ભંડોળનો ઉપયોગ સુરતની ખાડી પૂર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કરવામાં આવશે. આ અંતર્ગત ખાડી વિસ્તારનું રિ-ડેવલપમેન્ટ, ખાડીનું ખોદકામ અને ઊંડાણ વધારવાની કામગીરી, તેમજ પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધરૂપ તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખાડી કિનારાના દબાણો દૂર કરવા સ્પષ્ટ સૂચના
મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકા (SMC) ને કડક આદેશ આપ્યો છે, કે ખાડી કિનારાના તમામ નડતરરૂપ દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય ભલામણ કે દબાણ માન્ય ગણાશે નહીં. પાણીના વહેણમાં અવરોધ ઊભો કરતા બાંધકામો સામે તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદથી ટેક્સટાઈલ ઉદ્યોગને મોટો ફટકો
સુરતમાં અંદાજે 18 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સ્થિતિની સૌથી મોટી આર્થિક અસર સુરતની ટેક્સટાઈલ માર્કેટ પર પડી છે. એશિયાની સૌથી મોટી ગણાતી આ માર્કેટમાં રોજબરોજ અંદાજે ₹150 કરોડનો વેપાર થાય છે, પરંતુ પૂરના પાણી અને કાદવને કારણે વેપારકારોબાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે.




Leave a Comment