ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણીયા ગામે દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે. મહુવા અને રાજુલા પંથકમાં વન્ય પ્રાણીઓના વધતા આતંક વચ્ચે આ ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
વાડી તરફ જતા બાળક પર દીપડાનો હુમલો
માહિતી મુજબ, બાંભણીયા ગામે રહેતો નિત્ય પ્રવીણભાઈ ગોડલીયા (ઉં. 10) સાંજના સમયે પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફની વાડીમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક દીપડાએ બાળક પર હુમલો કરી તેને ઉપાડી ગયો હતો. બાળક ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં બાળક દીપડાના હુમલામાં ગંભીર હાલતમાં મળી આવ્યો હતો.
હોસ્પિટલ ખસેડાયો, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યો
પરિવારજનોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો, કે ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
એકમાત્ર દીકરાના મોતથી પરિવાર પર આભ તૂટ્યું
મૃતક નિત્ય પ્રવીણભાઈ ગોડલીયા પરિવારનો એકમાત્ર દીકરો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં બાંભણીયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ગ્રામજનોએ તંત્ર સામે ઉઠાવી સુરક્ષાની માંગ
મહુવા અને રાજુલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના હુમલાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગ અને તંત્ર પાસે કડક પગલાં લેવા, દીપડાને પાંજરે પુરવા અને ગામલોકોની સુરક્ષા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.




Leave a Comment