હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી પણ જાહેર કરી છે. ભારે પવન અને ઊંચા મોજાંના કારણે અરબી સમુદ્રમાં દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને 8 જુલાઈથી 12 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં જવા પર પ્રતિબંધ જેવી આ ચેતવણી માછીમારોની સલામતીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી હોવાનું વિભાગે જણાવ્યું છે.
હવામાન વિભાગે તમામ બંદરો માટે વિશેષ પોર્ટ વોર્નિંગ જાહેર કર્યું
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હવામાનની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતાને પગલે હવામાન વિભાગે તમામ બંદરો માટે વિશેષ પોર્ટ વોર્નિંગ જાહેર કર્યું છે.
વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર લોકલ કોશનરી સિગ્નલ નંબર-3 (LC-III) યથાવત રાખવામાં આવ્યું છે. આ સિગ્નલનો અર્થ છે કે દરિયામાં ભારે પવન અને જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, તેથી બંદરો અને માછીમારોને વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.
લોકલ કોશનરી સિગ્નલ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
બીજી તરફ, ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિમાં સુધારો નોંધાતા ત્યાંના બંદરો પરથી લોકલ કોશનરી સિગ્નલ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે નાગરિકોને પણ અનાવશ્યક મુસાફરી ટાળવા, ભારે વરસાદ દરમિયાન નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે.




Leave a Comment