ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેમના બેટિંગને કારણે નહીં. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમના પર્સનલ બોડીગાર્ડ પર ભારતીય પત્રકાર સાથે ગેરવર્તન કરવાનો આરોપ લાગતા નવો વિવાદ ઊભો થયો છે. આ ઘટનાએ એક મહત્વનો સવાલ ઉભો કર્યો છે કે શું કોઈ ભારતીય ક્રિકેટર વિદેશ પ્રવાસ દરમિયાન પોતાની સાથે પર્સનલ બોડીગાર્ડ રાખી શકે? અને આ મામલે BCCIના નિયમો શું કહે છે?
પત્રકાર સાથે ગેરવર્તનનો આરોપ
અહેવાલો મુજબ, ઈંગ્લેન્ડમાં વન-ડે સિરીઝ કવર કરવા ગયેલા કેટલાક ભારતીય પત્રકારોએ આરોપ લગાવ્યો છે, કે વિરાટ કોહલીના બોડીગાર્ડે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. કાર્ડિફ જવા પૂર્વે ટીમ ઈન્ડિયાના વીડિયો બનાવી રહેલા એક મીડિયા કર્મચારી સાથે બોડીગાર્ડે ઉગ્ર ભાષામાં વાત કરી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં, કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે, કે એક ચાહકનો મોબાઈલ ફોન છીનવી લેવાયો અને તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું. જો, કે આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
BCCIના નિયમો શું કહે છે?
BCCIની વર્તમાન ગાઈડલાઈન મુજબ, ભારતીય ટીમના ખેલાડીઓને વિદેશી પ્રવાસ અથવા ઘરઆંગણે રમાતી સિરીઝ દરમિયાન સામાન્ય રીતે પોતાના પર્સનલ સ્ટાફ અથવા પર્સનલ બોડીગાર્ડને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી. ખેલાડીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી BCCI અને સ્થાનિક આયોજન સમિતિની હોય છે. આ સ્થિતિમાં વિરાટ કોહલી પોતાની સાથે પર્સનલ બોડીગાર્ડ સાથે જોવા મળતા ચર્ચા શરૂ થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે જો તેઓ ખરેખર પર્સનલ બોડીગાર્ડ સાથે મુસાફરી કરી રહ્યા હોય, તો તેના માટે BCCI પાસેથી વિશેષ મંજૂરી લેવામાં આવી હોઈ શકે છે. જો, કે બોર્ડ તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વિરાટની સાથે સતત જોવા મળ્યો બોડીગાર્ડ
બર્મિંગહામમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શહેરમાં ફરવા નીકળ્યા ત્યારે પણ વિરાટ કોહલીની સાથે આ બોડીગાર્ડ સતત હાજર જોવા મળ્યો હતો. ચાહકો વિરાટની નજીક ન આવે તે માટે પણ તે સતત નજર રાખતો જોવા મળ્યો હતો. હવે મીડિયા કર્મી સાથે ગેરવર્તનના આરોપો બાદ આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે અને અનેક પત્રકારોએ BCCI પાસે આ ઘટનાની તપાસ તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
BCCI અથવા વિરાટ તરફથી હજુ સુધી કોઈ નિવેદન નહીં
આ સમગ્ર વિવાદ વચ્ચે વિરાટ કોહલી અથવા BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હવે સૌની નજર એ વાત પર છે, કે બોર્ડ આ મામલે તપાસ કરે છે કે નહીં અને વિરાટ કોહલી આ વિવાદ અંગે કોઈ સ્પષ્ટતા આપે છે કે નહીં.




Leave a Comment