રસુવા જિલ્લાના મુખ્યાલય વિસ્તારમાં કોઈ વરસાદ ન હતો તેમછતાં સવારે અચાનક જ નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. નિષ્ણાતો અને અધિકારીઓના જણાવ્યા મુજબ તિબ્બતમાં હિમનદી આધારિત સરોવર (Glacial Lake Outburst Flood – GLOF) ફાટવાને કારણે આ પ્રલય આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. પૂરના આ પ્રચંડ પ્રવાહમાં ટિમુરે અને સ્યાપ્રુ બેસી વિસ્તારના બજારો સંપૂર્ણપણે તારાજ થઈ ગયા છે.
28 સુરક્ષાકર્મીઓ ગુમ, પોલીસ સ્ટેશનો અને કસ્ટમ ઓફિસ ધ્વસ્ત
તિબ્બત સરહદે ટિમુરે કસ્ટમ્સ પોઇન્ટ પર તૈનાત નેપાળ પોલીસના 19 અને આર્મ્ડ પોલીસ ફોર્સ (APF)ના 9 મળીને એકંદર 28 જેટલા સુરક્ષાકર્મીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પૂરના કારણે રસુવાગઢી, સ્યાપ્રુબેસી અને ટિમુરે સ્થિત ત્રણ પોલીસ ચોકીઓ વહી ગઈ છે.
આ ઉપરાંત ચીન સાથેના વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતી રસુવાગઢી બોર્ડર પોઇન્ટ પર રહેલા અનેક વેપારી વાહનો અને તાજેતરમાં જ બનેલો નવો ફ્રેન્ડશિપ બ્રિજ પણ પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને કરોડોનું નુકસાન
ભોટે કોશી નદીના જળપ્રલયથી તટીય વિસ્તારોમાં આવેલા અનેક જળવિદ્યુત મથકો (Hydropower Projects) વહી ગયા છે અથવા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. નેપાળના ઇન્ડિપેન્ડન્ટ એનર્જી પ્રોડ્યુસર્સ એસોસિએશન અનુસાર 111 મેગાવોટના રસુવાગઢી પ્રોજેક્ટ, ચિલીમે અને ત્રિશૂલી-3A સહિત 10થી વધુ પ્રોજેક્ટ્સમાં વીજ ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે.
વડાપ્રધાન અને ગૃહમંત્રીની ઈમરજન્સી બેઠક
આ આફત વચ્ચે નેપાળના વડાપ્રધાન બાલચંદ્ર (બાલન) શાહ અને ગૃહમંત્રી સુદન ગુરુંગે રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપનની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. સેનાના બે હેલિકોપ્ટરોને રાહત અને બચાવ કાર્ય માટે રસુવા રવાના કરવામાં આવ્યા છે. આ સાથે જ કાઠમંડુથી રસુવા, નુવાકોટ, ચિતવન અને ધાદિંગ તરફ જતાં તમામ વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. ગૃહમંત્રાલય દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1234 પણ જાહેર કરવામાં આવ્યો છે.
પાંચ જિલ્લા અને ભારત માટે ચેતવણી
- પાંચ જિલ્લામાં રેડ એલર્ટ: નેપાળ સરકારે ભોટે કોશી અને ત્રિશૂલી નદીના કિનારે આવેલા રસુવા, નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન જિલ્લાના લોકોને તાત્કાલિક ઊંચાઈવાળા સુરક્ષિત વિસ્તારોમાં ખસી જવાની અપીલ કરી છે.
- ભારત પર અસર: ભોટે કોશી નદી ત્રિશૂલી નદીમાં મળે છે અને તે આગળ વધીને બિહાર (ભારત) માં પ્રવેશતાં ગંડક નદી તરીકે ઓળખાય છે. આ પૂરમાંથી નીકળેલું પાણી આગામી 24થી 48 કલાકમાં બિહારના નીચાણવાળા સરહદી વિસ્તારોમાં જળસ્તર વધારી શકે છે, જેથી ભારતીય સીમા પર પણ સતર્કતા રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.




Leave a Comment