મહારાષ્ટ્રના અમરાવતીમાં સોમવારે વહેલી સવારે બનેલી દુઃખદ ઘટનામાં જિલ્લા મહિલા હોસ્પિટલના NICUમાં આગ લાગતાં ત્રણ નવજાત બાળકોનાં મોત થયા છે. ઘટનાના સમયે NICUમાં કુલ 39 બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આગની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

વહેલી સવારે NICUમાં ફેલાયો ધુમાડો
પ્રાપ્ત માહિતી અનુસાર, 24 ઓગસ્ટની વહેલી સવારે લગભગ 3:30 વાગ્યે NICUમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ વિભાગમાં ધુમાડો ફેલાતાં હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા તબીબો અને હોસ્પિટલના કર્મચારીઓએ સારવાર લઈ રહેલા બાળકોને અસરગ્રસ્ત વિસ્તારથી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
3 નવજાતનાં મોત, 6 બાળકોને બીજી હોસ્પિટલમાં ખસેડાયા
આ દુર્ઘટનામાં ત્રણ નવજાત બાળકોનાં મોત થયા છે. બીજી તરફ, વધુ તબીબી દેખરેખની જરૂરિયાત ધરાવતા 6 બાળકોને સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના બાળકોને પણ આગથી દૂર સુરક્ષિત સ્થળે ખસેડીને તેમની સારવાર અને જરૂરી તબીબી દેખરેખ ચાલુ રાખવામાં આવી હતી.
વેન્ટિલેટરમાં ધડાકા બાદ આગ લાગી હોવાની આશંકા
પ્રાથમિક અહેવાલો અનુસાર, NICUમાં વેન્ટિલેટર સાથે જોડાયેલા તબીબી ઉપકરણમાં ધડાકો થયા બાદ આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો, કે આગનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. વેન્ટિલેટર કે અન્ય કોઈ મેડિકલ ઇક્વિપમેન્ટને કારણે આગ લાગી હતી કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

હોસ્પિટલની ફાયર સેફ્ટી પર ઊભા થયા સવાલો
NICUમાં સારવાર લઈ રહેલા નવજાત બાળકો અત્યંત નાજુક સ્થિતિમાં હોય છે અને તેમને સતત મોનિટરિંગ તથા વિવિધ મેડિકલ સાધનોની જરૂર પડે છે. આવી સ્થિતિમાં આગ જેવી કટોકટી સર્જાય ત્યારે બાળકોને ઝડપથી સુરક્ષિત સ્થળે ખસેડવા મોટો પડકાર ઊભો થાય છે. ઘટના બાદ હોસ્પિટલના ફાયર એલાર્મ, અગ્નિશામક સાધનો, વીજળીની વ્યવસ્થા, વેન્ટિલેટર સહિતના મેડિકલ ઇક્વિપમેન્ટ અને ઇમરજન્સી રેસ્ક્યૂ સિસ્ટમની તપાસ કરવામાં આવી શકે છે.




Leave a Comment