મળતી માહિતી મુજબ, ફ્લાઈટ કોલકાતાથી રાત્રે 9:15 વાગ્યે ટેકઓફ કરવાની હતી, પરંતુ લગભગ 25 મિનિટના વિલંબ બાદ રાત્રે 9:39 વાગ્યે ઉડાન ભરી હતી. ફ્લાઈટ રાત્રે લગભગ 11:30 વાગ્યે ચેન્નાઈ પહોંચવાની હતી. લેન્ડિંગ પહેલાં પાયલટને ડાબા એન્જિનમાં સમસ્યા હોવાનું જણાયું હતું.
ત્યારબાદ તેમણે ATCને તાત્કાલિક એલર્ટ આપ્યું હતું. આ માહિતી મળતાં જ એરપોર્ટની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી અને રાત્રે 11:29 વાગ્યે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.
224 મુસાફરો સાથે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ
ઇમરજન્સી જાહેર થયા બાદ ફ્લાઈટે રનવે 25 પર રાત્રે 11:37 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં સવાર તમામ 224 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર મળ્યા નથી. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયા બાદ આશરે 10 મિનિટમાં, એટલે કે રાત્રે 11:47 વાગ્યે સંપૂર્ણ કટોકટી હટાવી લેવામાં આવી હતી.
એન્જિનમાં ખામીનું કારણ જાણવા તપાસ શરૂ
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાની અસર ચેન્નાઈ એરપોર્ટની સામાન્ય કામગીરી પર પડી નહોતી. અન્ય ફ્લાઈટ્સનું સંચાલન પણ સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું. હાલ ઈન્ડિગો ફ્લાઈટના ડાબા એન્જિનમાં ખામી કયા કારણોસર સર્જાઈ હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ એન્જિનની સમસ્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.




Leave a Comment