દિવાળીના તહેવાર પર મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની ભેટ-સોગાદો અને રોકડ બોનસ આપતી હોય છે પરંતુ, આ વર્ષે દિલ્હીની એક કંપનીએ તમામ હદો વટાવી દીધી છે. રોહિણી વિસ્તારમાં આવેલી આ કંપનીએ પોતાના કર્મચારીઓને અત્યંત મોંઘો અને લેટેસ્ટ iPhone-16 ગિફ્ટમાં આપીને ભારે ચર્ચા જગાવી છે. આ સમાચાર વાયરલ થતાં જ કંપની સોશિયલ મીડિયા પર રાતોરાત ટ્રેન્ડ થવા લાગી છે.
દિવાળી ભેટમાં મળ્યો ₹70,000નો iPhone-16
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં સ્થિત આ કંપનીના બોસે દિવાળીના શુભ અવસરે પોતાના કર્મચારીઓના કામની કદર કરતા અંદાજે 70 હજાર રૂપિયાની કિંમતનો નવોનક્કોર iPhone 16 ગિફ્ટમાં આપ્યો છે. કર્મચારીઓને મળેલી આ શાનદાર ભેટના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. નેટીઝન્સ કહી રહ્યા છે કે કર્મચારીઓને ખુશ રાખવાની આ સૌથી શ્રેષ્ઠ રીત છે.
ખુશીથી ઝૂમી ઉઠેલા કર્મચારીઓનો વીડિયો વાયરલ
કંપનીના ઉત્સાહિત કર્મચારીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક શોર્ટ વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઓફિસના ડેસ્ક પર દરેક કર્મચારીના લેપટોપ પર એક-એક આઇફોન 16નું સીલબંધ બોક્સ મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ વીડિયોમાં એક મહિલા કર્મચારી પોતાના હાથમાં iPhone-16નું બોક્સ બતાવતા અને ખુશીથી નાચતા જોવા મળે છે. કર્મચારીઓના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
યુઝર્સે મજેદાર કોમેન્ટ્સનો વરસાદ કર્યો
ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયો પર લોકો તરફથી મજેદાર કમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે રમૂજી અંદાજમાં પૂછ્યું, “ભાઈ, શું તમારી કંપનીમાં કોઈ વેકેન્સી ખાલી છે? મારે અત્યારે જ ઇન્ટરવ્યુ આપવો છે.” જ્યારે અન્ય એક યુઝરે પોતાની મજબૂરી વ્યક્ત કરતા લખ્યું, “દિવાળીના દિવસોમાં આવા વીડિયો જોઈને ઇન્સ્ટાગ્રામ ચલાવવાનું જ મન નથી થતું, કારણ કે બીજાની ગિફ્ટ જોઈને અમને ઇર્ષ્યા થાય છે.”



