અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા પકવાન ચાર રસ્તા પર સવારે લાગુ કરવામાં આવેલી ‘કેપ્સ્યુલ સિસ્ટમ’ ને હજુ 12 કલાક પણ પૂરા થયા નહોતા, ત્યાં રાત પડતા જ હંગામી ધોરણે હટાવી લેવાની ફરજ પડી છે.
આયોજનના અભાવે 12 કલાકમાં જ તંત્રનો યુ-ટર્ન
પકવાન ચાર રસ્તા પર કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરવાના નિર્ણયમાં તંત્રના આયોજનનો અભાવ સ્પષ્ટપણે છતો થયો છે. તંત્ર દ્વારા પિક-અવર્સ દરમિયાન ટ્રાફિકની અવરજવરની સંપૂર્ણ સ્થિતિ જાણ્યા વિના જ અહીં કેપ્સ્યુલ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી હતી. અમલના માત્ર 12 જ કલાકમાં તંત્રને ભાન થયું કે ડામર રોડ અને અન્ય જરૂરી સુવિધાઓના અભાવે ટ્રાફિકનું નિરાકરણ આવવાને બદલે ટ્રાફિક જામની જૂની સમસ્યા યથાવત રહી હતી. અંતે “જાગ્યા ત્યારથી સવાર” ની કહેવત મુજબ તંત્રએ પોતાનો નિર્ણય બદલીને યુ-ટર્ન લીધો હતો અને હાલ પૂરતી આ સિસ્ટમ મોકૂફ રાખીને કેપ્સ્યુલ ખોલી નાખ્યા હતા.
ડામર રોડનો અભાવ અને VVIP મુવમેન્ટ નડ્યા: ટ્રાફિક DCP
આ સમગ્ર મામલે ટ્રાફિક DCP નરેશ કંઝારીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સિસ્ટમ હટાવવા પાછળ મુખ્યત્વે રસ્તાની સ્થિતિ અને સાંજના સમયનો ટ્રાફિક જવાબદાર છે. DCP ના જણાવ્યા મુજબ, સાંજના સમયે મુખ્યમંત્રી (CM) નો કાર્યક્રમ અને VVIP મુવમેન્ટ હોવાથી પકવાન ક્રોસ રોડ ખાતે ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું, જેના કારણે હાલ પૂરતું કેપ્સ્યુલ ખોલી નાખવામાં આવ્યું છે.
ડામર રોડ ન હોવાથી સર્ક્યુલર ધીમું
તેમણે વધુમાં ઉમેર્યું કે, શરૂઆતમાં લોકોને આદત ન હોય ત્યાં સુધી 2 થી 3 દિવસ થોડું અઘરું પડે છે. ખાસ કરીને ત્યાં ડામર રોડ ન હોવાથી બંને બાજુનું સર્ક્યુલર ટ્રાફિક વહન ધીમું ચાલતું હતું. તંત્ર હવે સમગ્ર સ્થિતિનું ફરીથી એનાલિસિસ કરશે. રસ્તાના ડામર સહિતની તમામ સુવિધાઓ વ્યવસ્થિત થઈ જાય ત્યારબાદ જ આ સિસ્ટમ ફરી શરૂ કરવામાં આવશે, જે પ્રક્રિયામાં હજુ આશરે 1 અઠવાડિયાથી 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.



