![]()
India vs Afghanistan, 2nd ODI 2026 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝના બીજા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 170 રનથી ભવ્ય જીત મેળવી છે. લખનઉના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 49.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 44.3 ઓવરમાં 232 રન પર જ ઓલઆઈટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે સિરીઝમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને સિરીઝની આખરી મેચ 20 જૂને ચેન્નઈના સ્ટેડિયમમાં રમાશે.
શુભમન ગિલ અને ઈશાન કિશનની તોફાની સદી
આ મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને યશસ્વી જાયસ્વાલ માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારપછી રોહિત શર્માએ 48 રન બનાવીને શુભમન ગિલ સાથે ઈનિંગને આગળ વધારી હતી. રોહિતના આઉટ થયા બાદ ગિલ અને ઈશાન કિશને અફઘાનિસ્તાનના બોલરો પર આક્રમણ કર્યું હતું. ગિલે શાનદાર બેટિંગ કરતા 38 બોલમાં અડધી સદી અને 77 બોલમાં પોતાની વનડે કરિયરની 9મી સદી પૂરી કરી હતી. ગિલે કુલ 154 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ ઈશાન કિશને પણ તોફાની અંદાજમાં 52 બોલમાં અડધી સદી અને 71 બોલમાં પોતાની કરિયરની બીજી વનડે સદી ફટકારી હતી. ઈશાન કિશને 79 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાને અફઘાનિ બોલર ખારોટી ભારે પડ્યો
એક સમયે ભારત ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ અફઘાનિસ્તાનના સ્પિનર નાંગેયાલિયા ખારોટીએ સતત વિકેટો ઝડપીને મેચનો રૂખ બદલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 42.3 ઓવરમાં સદીવીર શુભમન ગિલને 154 રને આઉટ કર્યો અને તેના પછીના જ બોલ પર કેએલ રાહુલને શૂન્ય રને આઉટ કરીને ભારતને સતત બે ઝટકા આપ્યા હતા. ખારોટીએ આગળ જતા શ્રેયસ અય્યરની વિકેટ પણ મેળવી હતી, જે 26 રન બનાવી આઉટ થયો હતો. આ મેચમાં ખારોટીએ કુલ 4 વિકેટ ઝડપી હતી. લોઅર ઓર્ડરમાં વોશિંગ્ટન સુંદરે 19 રન બનાવ્યા હતા, જ્યારે ગુરનૂર બ્રાર અને અર્શદીપ સિંહ 3-3 રન બનાવી આઉટ થયા હતા. ડેબ્યુ કરનાર પ્રિન્સ યાદવ આઉટ થનારો છેલ્લો બેટ્સમેન હતો અને ભારત 402 રને ઓલઆઉટ થયું હતું.
Impressive debut outing 🙌
Prince Yadav wraps a comprehensive win for #TeamIndia ✌️
Scorecard ▶️ https://t.co/JYJ5l44iJ6#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/pUmzoB9mFg
— BCCI (@BCCI) June 17, 2026
આ પણ વાંચો : ઈન્ડિયા-Aનો ધમાકેદાર વિજય : 3 બેટરોની ફિફ્ટીથી અફઘાનિસ્તાન 101 રને હાર્યું
અફઘાનિસ્તાનની બેટિંગ લાઈનઅપ ફ્લોપ
વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે શરૂઆત સારી કરી હતી, પરંતુ વધતા રનરેટના દબાણ હેઠળ તેમની વિકેટો પડતી રહી હતી. અફઘાનિસ્તાન તરફથી રહેમત શાહે સૌથી વધુ 79 રન 89 બોલમાં 8 ચોગ્ગાની મદદથી બનાવ્યા હતા. આ સિવાય સેદિકુલ્લાહ અટલે 42 રન અને રહેમાનુલ્લાહ ગુરબાજે 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી બોલિંગમાં અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રારે 3-3 વિકેટ ઝડપી હતી. પ્રથમ મેચ રમી રહેલા પ્રિન્સ યાદવને 2 સફળતા મળી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી.
રેકોર્ડ : અફઘાનિસ્તાન સામેનો સર્વોચ્ચ વનડે સ્કોર
વનડે ક્રિકેટના ઈતિહાસમાં અફઘાનિસ્તાન સામે બનેલા સૌથી મોટા સ્કોરમાં ઓસ્ટ્રેલિયાએ પર્થમાં 2015માં 417/6 રન બનાવ્યા હતા. આ યાદીમાં હવે ભારતે લખનઉમાં 2026માં 402 રન બનાવીને બીજું સ્થાન મેળવી લીધું છે. આ સિવાય ઈંગ્લેન્ડે માન્ચેસ્ટરમાં 2019 માં 397/6 રન અને શ્રીલંકાએ પલ્લેકેલેમાં 2024 માં 381/3 રન બનાવ્યા હતા.
ભારત અને અફઘાનિસ્તાન હેડ-ટુ-હેડ
બંને દેશો વચ્ચેના વનડે ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી કુલ 6 વનડે ઈન્ટરનેશનલ મુકાબલા રમાયા છે. આ દરમિયાન ભારતીય ટીમનો પલડો અફઘાનિસ્તાન સામે પૂરી રીતે ભારે રહ્યો છે, જેમાં ભારતે 5 મેચોમાં જીત મેળવી છે જ્યારે 1 મેચ ટાઈ પર પરિણમી છે.
બંને દેશોની પ્લેઈંગ ઈલેવન
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વી જાયસ્વાલ, રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ સામેલ હતા.
અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવનમાં રહેમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન, સદિકુલ્લાહ અટલ, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવિશ રસુલી, રાશિદ ખાન, નાંગેયાલિયા ખારોટી, એએમ ગઝનફર, મોહમ્મદ સલીમ સફી અને બિલાલ સામી સામેલ હતા.


Leave a Comment