ચંદન રાઠોડના અકસ્માત મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં બે બાઈક સામસામે અથડાયા હોવાની માહિતી સામે આવી છે. ભાભરના PSI એચ. એલ. જોશીના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ સામેવાળો બાઈકચાલક ઘટનાસ્થળેથી નીકળી સારવાર માટે દવાખાને પહોંચ્યો હતો. તેને સાથળના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતમાં બાઈક અને સવાર બંને અથડામણ બાદ અલગ-અલગ દિશામાં ફંગોળાઈ શકે છે. તેથી ચંદન રાઠોડનો મૃતદેહ બાઈકથી 20થી 25 ફૂટ દૂર મળી આવવાની બાબતને પણ અકસ્માતની શક્યતાના સંદર્ભમાં જોવામાં આવી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે.
મોતની ગણતરીની મિનિટો પહેલાં પેટ્રોલ ભરાવ્યું, CCTV સામે આવ્યું
અકસ્માત બાદ ચંદન રાઠોડનું CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે. જેમાં તેઓ અકસ્માતમાં જે બાઈક પર સવાર હતા, તેમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતા નજરે પડે છે. વિલેજ બોયની ટીમ સાથે વીડિયો શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા અને તેના થોડા સમય બાદ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, જે પેટ્રોલ પંપ પર ચંદને પેટ્રોલ ભરાવ્યું હતું ત્યાંથી અકસ્માતનું સ્થળ આશરે ત્રણથી ચાર કિલોમીટર દૂર હતું. આ CCTV ફૂટેજ અકસ્માત પહેલાંની તેમની છેલ્લી ગતિવિધિઓમાંથી એક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નોકરી છોડીને કોમેડીના ક્ષેત્રમાં આવ્યા
ચંદન રાઠોડનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. મિત્રોના જણાવ્યા મુજબ, તેઓ શરૂઆતમાં મોરબીમાં નોકરી કરવા ગયા હતા. જોકે, ત્યારબાદ કંઈક અલગ કરવાની ઇચ્છા સાથે સોશિયલ મીડિયામાં સક્રિય થયા અને ધીમે-ધીમે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
સમય જતાં ‘ગુજ્જુ લવ ગુરૂ’ તરીકે તેમની આગવી ઓળખ બની. તેમના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ અને સબસ્ક્રાઇબર્સ હતા. તેઓ સોશિયલ મીડિયા મારફતે જ પોતાની આવક મેળવતા હતા.
સામાન્ય પરિવારથી સોશિયલ મીડિયા સુધીની સફર
સુઈગામના સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભાના જોરે સોશિયલ મીડિયામાં અલગ ઓળખ ઊભી કરી હતી. ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેઓ ગુજરાતી કોમેડી વીડિયો બનાવતા અને લોકોને હસાવતા હતા.
વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી તેમની કોમેડીની ખાસિયત હતી. તેમની દેશી અને સરળ કોમેડી લોકોને ખૂબ પસંદ પડતી હતી. હાસ્ય સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન મુદ્દાઓને લઈને સંદેશ આપતા વીડિયો પણ બનાવતા હતા.
જેના કારણે તેમની લોકપ્રિયતા ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી અને સમગ્ર ગુજરાતમાં તેમનો ચાહકવર્ગ ઊભો થયો.
સાથી કલાકારે ચંદનના બાળકો માટે મદદની અપીલ કરી
વિલેજ બોય ઉર્ફે અમરસિંહે ચંદન રાઠોડના દીકરા અને દીકરી સાથે એક રીલ બનાવી છે. જેમાં તેમણે બંને બાળકોના ભવિષ્ય માટે યથાશક્તિ આર્થિક મદદ કરવાની અપીલ કરી છે. આ રીલમાં મદદ માટે QR કોડ પણ આપવામાં આવ્યો છે.



