સુરતમાં ગુનાખોરીની અવનવી ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ ખટોદરા વિસ્તારમાં ચોરીના પ્રયાસની એવી ઘટના સામે આવી છે,
જે ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના દૃશ્ય જેવી લાગી રહી છે. કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરો અંદર જ બહાર નીકળવાનો રસ્તો ભૂલી ગયા હતા. કલાકો સુધી રસ્તો શોધ્યા બાદ આખરે તેમણે ત્રીજા માળની બારીમાંથી ‘બચાવો-બચાવો’ની બૂમો પાડીને મદદ માગવી પડી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે બંનેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા, પરંતુ બહાર આવતાં જ પોલીસ તેમની રાહ જોઈ રહી હતી.
રવિવારની રજાનો લાભ લઈ બંધ કારખાનાને બનાવ્યું નિશાન
પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતો 18 વર્ષીય રોશન બિનબહાદુર સહાની તેના એક સગીર સાગરીત સાથે રવિવારે સાંજે ચોરીના ઈરાદે નીકળ્યો હતો. બંનેએ ખટોદરા જીઆઈડીસીમાં બમરોલી રોડ પર આવેલા એક બંધ કારખાનાને નિશાન બનાવ્યું હતું.
રવિવારની રજાના કારણે કારખાનું બંધ હોવાનો લાભ લઈ બંને છાનામાના અંદર ઘૂસી ગયા હતા. જોકે, કારખાનામાં પ્રવેશ કર્યા બાદ અંધારામાં અથવા માલસામાન શોધતી વખતે તેઓ જે રસ્તેથી અંદર આવ્યા હતા તે જ રસ્તો ભૂલી ગયા હતા.
કલાકો સુધી રસ્તો શોધ્યો, અંતે ‘બચાવો-બચાવો’ની બૂમો
બંનેએ કારખાનામાંથી બહાર નીકળવા માટે કલાકો સુધી દરવાજો અને રસ્તો શોધ્યો, પરંતુ તેમને બહાર જવાનો માર્ગ મળ્યો નહીં. સમય પસાર થતાં ચોરીનો ઉત્સાહ ગભરાટમાં ફેરવાઈ ગયો હતો.
આખરે ભૂખ્યા-તરસ્યા અંદર જ ફસાઈ રહેવાનો ડર લાગતાં બંને ત્રીજા માળે પહોંચ્યા હતા. ત્યાં બારીમાંથી નીચે ઊભેલા લોકોને જોઈને તેમણે જોરજોરથી ‘બચાવો… બચાવો…’ની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.
સ્થાનિકોની જાણ બાદ ફાયર બ્રિગેડ દોડી આવી
બંધ કારખાનામાંથી રાત્રિના સમયે ચીસાચીસનો અવાજ આવતા આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકાએ લોકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યારબાદ PCR વાન ઘટનાસ્થળે પહોંચી હતી.
કારખાનું અંદરથી બંધ હતું અને બંને યુવકો ત્રીજા માળે ફસાયેલા હોવાથી પોલીસે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. મજુરા ફાયર સ્ટેશનની ટીમ લીડર અને જરૂરી રેસ્ક્યૂ સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ બારીના સળિયા કાપીને બંનેને સહીસલામત નીચે ઉતાર્યા હતા.
ફાયર ટીમે બહાર કાઢ્યા, નીચે પોલીસ જોઈને ચોંક્યા
ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને નીચે ઉતારતાં બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, જમીન પર પગ મૂકતાં જ તેમની સામે પોલીસ જવાનો ઊભા હતા. PCRના જવાનોએ બંનેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ ખટોદરા પોલીસને સોંપ્યા હતા.
ખટોદરા પોલીસે રોશન સહાની અને તેના સગીર સાગરીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને અગાઉ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.



