27 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક યુવક ચોથા માળે ચડી જતાં અફરાતફરી મચી હતી. યુવક જીવન ટૂંકાવવાની વાત કરી રહ્યો હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.
મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને યુવક સાથે લગભગ એક કલાક સુધી વાતચીત કરીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસ અને ફાયર વિભાગની સમયસૂચકતાથી યુવકને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.
પોલીસને યુવક અંગે વર્ધી મળી
27 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9:47 વાગ્યે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની નાગલપુર પોલીસ ચોકીની 112 પીસીઆર વાનને યુવક અંગે વર્ધી મળી હતી. હબ ટાઉનના બ્લોક નંબર-Jના ચોથા માળે આશરે 25 વર્ષનો યુવક ચડી ગયો હોવાનું અને નીચે કૂદી જીવન ટૂંકાવવાની ધમકી આપતો હોવાનું પોલીસને જણાવાયું હતું.
માહિતી મળતાં જ મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન, પોલીસ કોન્સ્ટેબલ ચંદનસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. યુવક ચોથા માળની જોખમી જગ્યાએ બેઠેલો હતો અને નીચે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
‘એ જીગર… તું તારા મા-બાપનું તો વિચાર’
યુવકને ગભરાટ ન થાય તે માટે મહિલા હેડ કોન્સ્ટેબલ રિંકુબેને તેની નજીક જવાને બદલે થોડે દૂર રહીને વાતચીત શરૂ કરી હતી. લગભગ એક કલાક સુધી તેમણે ધીરજપૂર્વક યુવકને સમજાવ્યો હતો.
આ દરમિયાન યુવકે પોતાનું નામ જીગર ઠાકોર, મૂળ મોડાસાનો વતની અને હાલ દેદિયાસણમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. રિંકુબેને તેને ભાવનાત્મક રીતે સમજાવતા કહ્યું હતું, “એ જીગર… તું તારા મા-બાપનું તો વિચાર, પ્રોબ્લેમ મને કે…” જોકે યુવક શરૂઆતમાં નીચે ઉતરવા તૈયાર થયો નહોતો.
માતા-પિતા આવ્યા છતાં યુવક નીચે ન ઉતર્યો
ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળે બોલાવવામાં આવી હતી. દરમિયાન યુવકની માતા અને પિતા પણ ત્યાં પહોંચી ગયાં હતાં. માતા-પિતાએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો,
પરંતુ તે નીચે આવવા તૈયાર નહોતો. લાંબા સમય સુધી પોલીસકર્મીઓ તેની સાથે વાતચીત કરતા રહ્યા. યુવક સાથે વાતચીત દરમિયાન તેને શાંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
યુવક નીચે પડવાની તૈયારીમાં હતો અને ટીમે બચાવી લીધો
લગભગ એક કલાકની સમજાવટ બાદ યુવક અચાનક જોખમી સ્થિતિમાં આવી ગયો હતો. તે ચોથા માળેથી નીચે પડવાની તૈયારીમાં હતો. આ સમયે પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને પાછળથી દોડી જઈ તેને પકડી લીધો હતો અને સલામત રીતે નીચે ઉતારી લીધો હતો.
ત્યારબાદ પોલીસ યુવકને મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાં તેને ચા-નાસ્તો કરાવી શાંત પાડવામાં આવ્યો હતો. માતા-પિતાની હાજરીમાં તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ પોલીસે તેને પરિવારને સોંપ્યો હતો.



