Rahul Gandhi Vs Dharmendra Pradhan CBI OSM : સીબીએસઈ ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે રાજકીય શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. રાહુલ ગાંધીએ ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના પરિણામોમાં ગડબડ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના પર શિક્ષણ મંત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
શિક્ષણ મંત્રીનો રાહુલ ગાંધી પર પ્રહાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, ‘રાહુલ ગાંધીની ટિપ્પણીઓ સતત ચૂંટણી હારવાથી મળેલી હતાશા દર્શાવે છે. તેઓ હંમેશાં ભારતની તકનીકી અને વૈજ્ઞાનિક પ્રગતિનો વિરોધ કરતા આવ્યા છે. તેમણે અગાઉ EVM અને ડિજિટલ ઈન્ડિયાનો પણ વિરોધ કર્યો હતો. રાજકારણ પછી પણ થઈ શકે છે, અત્યારે વિદ્યાર્થીઓનો માનસિક તણાવ ન વધે તે વધુ જરૂરી છે.’
રાહુલ ગાંધીનો પલટવાર અને સવાલો
બીજી તરફ, રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, શિક્ષણ મંત્રીનો આ હુમલો મને 18.5 લાખ વિદ્યાર્થીઓ વતી અવાજ ઉઠાવતા રોકી નહીં શકે. તેમણે સવાલ કર્યો કે COEMPT કંપનીને આ કામનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો, જે અગાઉ બીજા નામે વિવાદોમાં રહી ચૂકી છે? કાં તો કંપનીની યોગ્ય તપાસ નથી થઈ અથવા જાણીજોઈને કોન્ટ્રાક્ટ અપાયો છે. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, જો વડાપ્રધાનને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા હોત, તો તેમણે શિક્ષણ મંત્રીને પદ પરથી હટાવી દીધા હોત.
સરકારે ભૂલ સ્વીકારી અને સુધારાની ખાતરી આપી
વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું છે કે, પરિણામોમાં ગડબડ થઈ છે. સરકારે આ ખામીઓની જવાબદારી સ્વીકારીને તેમાં સુધારો કરવાનું વચન આપ્યું છે. તેમણે ખાતરી આપી કે કોઈપણ વિદ્યાર્થીની ફરિયાદ વણઉકેલાયેલી નહીં રહે અને તમામ સ્તરે જવાબદારી નક્કી કરાશે. બોર્ડે ધોરણ-12ની પરીક્ષા માટે પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને OSM ટેકનોલોજીની દેખરેખ માટે આઈઆઈટી (IIT) કાનપુર અને આઈઆઈટી (IIT) મદ્રાસ જેવી સંસ્થાઓને જવાબદારી સોંપી છે.


Leave a Comment