અભિનેત્રીએ એક વિસ્તૃત સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, તેમના વિશે ચલાવવામાં આવી રહેલા આઈટી સર્ચના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. કોઈપણ જાતની ચકાસણી વગર સમાચાર ચલાવનારા મીડિયા હાઉસ અને ડિજિટલ પ્લેટફોર્મ્સને તેણે સખત શબ્દોમાં ફટકાર લગાવી છે.
‘હું આર્મી પરિવારમાંથી આવું છું અને 20 વર્ષની ઉંમરથી ટેક્સ આપું છું’
પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સત્તાવાર નિવેદન શેર કરતા રકુલે લખ્યું હતું કે, “કોઈપણ નક્કર પુરાવા વિના કેટલાક ઓનલાઇન રિપોર્ટર્સ અને મેનસ્ટ્રીમ જર્નાલિસ્ટ માત્ર સન્સેશન ફેલાવવા માટે આવી ખોટી ખબરો ચલાવી રહ્યા છે તે જોવું અત્યંત દુઃખદ છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ કોઈ આવકવેરા સર્ચ ઓપરેશન મારા પર નહોતું.
હું ભારતીય સશસ્ત્ર દળોના સન્માનિત પરિવારમાંથી આવું છું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારો કોઈ ગોડફાધર નથી. મેં મારી સખત મહેનતના બળે સ્થાન બનાવ્યું છે અને એક જવાબદાર નાગરિક તરીકે 20 વર્ષની ઉંમરથી જ નિયમિતપણે તમામ જરૂરી ટેક્સ ચૂકવતી આવી છું.”

બેનામી મિલકત અને વિદેશી ફંડિંગના આક્ષેપો ફગાવ્યા
રકુલ પ્રીત સિંહે વધુમાં ઉમેર્યું હતું કે તે વ્યક્તિગત રીતે કે કોઈ પ્રોડક્શન હાઉસના માધ્યમથી કોઈપણ પ્રકારના ગેરકાયદેસર વિદેશી રેમિટન્સમાં સામેલ નથી. દેશ કે વિદેશમાં કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેના નામે કોઈ બેનામી મિલકત પણ ખરીદવામાં આવી નથી.
અભિનેત્રીએ સ્પષ્ટતા કરી કે તેને ક્યારેય કોઈ મોંઘી મિલકત ભેટમાં મળી નથી અને તે સિદ્ધાંત મુજબ ક્યારેય આવી મોંઘી ગિફ્ટ્સ સ્વીકારતી પણ નથી. તેણે પાયાવિહોણી અફવાઓ ફેલાવતા મીડિયા ગૃહોને પોતાના રિપોર્ટ્સ પાછા ખેંચવા અને સાચી માહિતી જાહેર કરવા વિનંતી કરી છે.



