![]()
Kala Hiran Film Controversy: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેમની સાથે જોડાયેલા વિવાદો પર આધારિત હોવાના આક્ષેપોનો સામનો કરી રહેલી ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ની જાહેરાત બાદથી જ સતત ચર્ચામાં છે. ફિલ્મનું મુખ્ય પાત્ર, વાર્તા અને પોસ્ટરમાં દેખાડવામાં આવેલું બ્રેસલેટ સલમાન ખાનના 1998ના બ્લેકબક શિકાર કેસ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના વિવાદોને મળતું આવે છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ સલમાન ખાને કોર્ટના દ્વાર ખખડાવી ફિલ્મની રિલીઝ રોકવાની માંગ કરી છે. આ તમામ વિવાદો વચ્ચે હવે ફિલ્મના ડિરેક્ટર ભરત એસ. શ્રીનેત અને પ્રોડ્યુસર અમિત જાનીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
બ્રેસલેટની સમાનતા માત્ર એક સંયોગ: ડિરેક્ટર
પોસ્ટરમાં દેખાતા સલમાન ખાન જેવા જ ફેમસ ફિરોઝા સ્ટોન વાળા બ્રેસલેટ અંગે ડિરેક્ટર ભરત એસ. શ્રીનેતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,”આ બ્રેસલેટ કોઈ પેટન્ટ કરાવેલી વસ્તુ નથી. જો સલમાન ખાનને એવું લાગતું હોય કે માત્ર તેઓ જ આ પહેરી શકે છે, તો તેમણે તેની પેટન્ટ કરાવી લેવી જોઈએ, જેથી તે દુનિયામાં ક્યાંય ન મળે. હું એ વાત સાથે બિલકુલ સહમત નથી કે આ ફિલ્મ અથવા તેનું પાત્ર સલમાન ખાન પર આધારિત છે. અમારું પાત્ર સલમાન ખાન નથી, આ માત્ર એક કાલ્પનિક ફિલ્મ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, ફિલ્મનો મુખ્ય અભિનેતા કુદરતી રીતે જ સલમાન ખાન જેવો દેખાય છે અને આ કોઈ પ્રોસ્થેટિક મેકઅપનું પરિણામ નથી. નવાઝુદ્દીન સિદ્દીકીએ ‘ઠાકરે’ ફિલ્મમાં બાલ ઠાકરે જેવા દેખાવા માટે મેકઅપનો સહારો લીધો હતો, પરંતુ આ ફિલ્મમાં એવું કંઈ નથી. ડિરેક્ટરે સવાલ કર્યો કે જો કોઈ અભિનેતા કુદરતી રીતે કોઈના જેવો દેખાતો હોય, તો તેઓ તેનો ચહેરો કેવી રીતે બદલી શકે?
“સલમાન મારા ગૉડફાધર નથી”
ફિલ્મ સામે સલમાન ખાન દ્વારા કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી અંગે ડિરેક્ટરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “સલમાન ખાન કોઈ ભગવાન નથી, કે તે મારા ગૉડફાધર પણ નથી. તેઓ મને રોકી શકતા નથી અને ન તો મારું કરિયર બનાવી કે બગાડી શકે છે. આ ફિલ્મને બનાવવામાં ઘણા લોકોની સખત મહેનત લાગી છે અને અચાનક અમને લીગલ નોટિસ મોકલીને રિલીઝ રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનાથી ઘણું દુઃખ થાય છે. અંતે ફિલ્મનું ભવિષ્ય દર્શકો જ નક્કી કરશે.”
હાઈકોર્ટે તાત્કાલિક સ્ટે આપવાનો કર્યો ઈન્કાર, આગામી સુનાવણી 1 જુલાઈએ
દિલ્હી હાઈકોર્ટની વેકેશન બેન્ચે સલમાન ખાનની અરજી પર અંતિમ રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ મધુ જૈનની બેન્ચે સલમાન ખાનની લીગલ ટીમને આદેશ આપ્યો છે કે તેઓ ફિલ્મમેકર્સને કેસને લગતા તમામ દસ્તાવેજો સોંપે, જેથી તેઓ પોતાનો જવાબ રજૂ કરી શકે. કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 1 જુલાઈના રોજ નક્કી કરી છે.
સલમાન ખાનનો આરોપ છે કે આ ફિલ્મ તેમની પરવાનગી વિના તેમના જીવનના વિવાદો અને શિકારના કેસ પર આધારિત રાખીને વ્યાવસાયિક લાભ ખાટવા માટે બનાવવામાં આવી રહી છે.
પ્રોડ્યુસર અમિત જાનીને મળી જાનથી મારી નાખવાની ધમકીઓ
બીજી તરફ, ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીએ દાવો કર્યો છે કે તેમને આ ફિલ્મ પ્રોજેક્ટથી પાછા હટી જવા માટે પાકિસ્તાની નંબરો પરથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. અમિત જાનીએ આરોપ લગાવ્યો છે કે સલમાન ખાનના ઈશારે જ આતંકવાદી શહઝાદ ભટ્ટી અને લોરેન્સ ગેંગના નામે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. આ અંગે જોધપુરના રાતાનાડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.
અમિત જાનીએ એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને જણાવ્યું કે, “છેલ્લા 2 વર્ષથી મને ગળું કાપી નાખવાની, ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. હું કોઈ ગેંગનો હિસ્સો નથી, હું ભારતનો સામાન્ય નાગરિક છું. જો હું આતંકવાદ જેવા ગંભીર વિષયો પર ફિલ્મ બનાવી રહ્યો છું, તો હું રોમેન્ટિક ફિલ્મો કે ગીતો લખી શકતો નથી. સલમાન ખાન પોતાની ફેન ફોલોઈંગ અને ટૂલકિટ દ્વારા મને દરિયામાં ફેંકી દેવાની ધમકીઓ અપાવી રહ્યા છે.”
આ પણ વાંચો: ‘ટ્રાન્સજેન્ડર જેવી લાગે છો, સર્જરીથી વજન ઘટાડ્યું…’, અભિનેત્રીની દીકરી ટ્રોલિંગનો શિકાર
બ્લેકબક શિકાર કાંડ: વર્ષ 1998થી અત્યાર સુધી શું-શું થયું? જાણો સલમાન ખાનના કાળા હરણ કેસની સંપૂર્ણ ટાઈમલાઈન
વર્ષ 1998: ગુનાની શરૂઆત અને ધરપકડ
• 27 સપ્ટેમ્બર – 1 ઓક્ટોબર 1998: જોધપુર નજીક 2 ચિન્કારા અને 3 કાળા હરણનો શિકાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી.
• 27-28 સપ્ટેમ્બર 1998: ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામમાં ચિન્કારાનો શિકાર કરાયો.
• 1 ઓક્ટોબર 1998: કાંકાણી ગામની સરહદમાં 2 કાળા હરણનો શિકાર થયો.
• 2 ઓક્ટોબર 1998: બિશ્નોઈ સમાજ દ્વારા ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈ’ના શૂટિંગ માટે આવેલા કલાકારો સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ વિરુદ્ધ સત્તાવાર કેસ નોંધાવવામાં આવ્યો.
• કુલ 4 ગુના દાખલ: સલમાન ખાન વિરુદ્ધ હરણ શિકારના 3 અલગ-અલગ કેસ અને ચોથો કેસ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયો. તપાસ દરમિયાન સલમાનના રૂમમાંથી ખાનગી પિસ્તોલ અને રાઇફલ મળી આવી હતી, જેમના લાયસન્સની મુદત પૂરી થઈ ચૂકી હતી.
• 12 ઓક્ટોબર 1998: સલમાન ખાનની સત્તાવાર ધરપકડ કરવામાં આવી. જોકે, 5 દિવસ જેલમાં રહ્યા બાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા.
વર્ષ 2006થી 2018: કોર્ટના ચુકાદા, સજા અને અપીલ
• 17 ફેબ્રુઆરી 2006: ભવાદ ગામના ચિન્કારા કેસમાં સીજેઆઈ કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરી 1 વર્ષની સજા ફટકારી. પાછળથી હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા, જેની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.
• 10 એપ્રિલ 2006: સીજેએમ કોર્ટે ઘોડા ફાર્મ હાઉસ કેસમાં સલમાનને 5 વર્ષની જેલ અને 25,000 રૂપિયા દંડની સજા સંભળાવી. સલમાન આ ચુકાદા સામે હાઈકોર્ટમાં ગયા અને 25 જુલાઈ 2016ના રોજ હાઈકોર્ટે તેમને નિર્દોષ છોડ્યા. આ ચુકાદા વિરુદ્ધ પણ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી.
• 18 જાન્યુઆરી 2017: જોધપુર કોર્ટે સલમાન ખાનને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ જાહેર કર્યો. સરકારે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો.
• 5 એપ્રિલ 2018: કાંકાણી કાળા હરણ શિકાર કેસમાં ટ્રાયલ કોર્ટે મોટો ચુકાદો આપતા સલમાન ખાનને દોષિત ઠેરવ્યો અને 5 વર્ષની જેલની સજા સંભળાવી.
વર્ષ 2025: કાનૂની લડાઈનો નવો તબક્કો
• 14 ફેબ્રુઆરી 2025: કોર્ટમાં ‘લીવ ટુ અપીલ’ પર વિચારણા કરવામાં આવી અને આગામી સુનાવણી 15 એપ્રિલ 2025ના રોજ નક્કી કરાઈ.
• 16 મે 2025: અદાલતે સલમાન ખાનની અપીલ સાથે જોડાયેલા આ મામલાને 28 જુલાઈ 2025ના રોજ લિસ્ટ કરવાનો આદેશ આપ્યો.
• 28 જુલાઈ 2025: સલમાન ખાનની અપીલના રજીસ્ટ્રેશન બાદ કોર્ટે આ કેસને 22 સપ્ટેમ્બર 2025ના રોજ બોર્ડ પર લેવાનો નિર્દેશ આપ્યો.
• 22 સપ્ટેમ્બર 2025: કોર્ટમાં સલમાન ખાનની અપીલ અને રાજ્ય સરકારની ‘લીવ ટુ અપીલ’ પર સંયુક્ત સુનાવણી નક્કી થઈ હતી, પરંતુ કોઈ કારણોસર તે દિવસે સુનાવણી થઈ શકી નહીં.
• 23 સપ્ટેમ્બર 2025: સરકારી વકીલ દ્વારા કોર્ટ પાસે વધુ સમય માંગવામાં આવ્યો. અદાલતે આ વિનંતી સ્વીકારીને કેસની આગામી સુનાવણી 8 અઠવાડિયા પછી લિસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.



Leave a Comment