શોમાં સંજય દત્તે પોતાની લોકપ્રિય ફિલ્મ ‘મુન્ના ભાઈ’ની શૈલીમાં દેશની સ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે ભારતીયોની મહેમાનગતિ અને મોટા દિલની પ્રશંસા કરતાં કહ્યું હતું કે દેશમાં શાંતિ હોવી જોઈએ, પરંતુ હવે તેમને પહેલાં જેવી શાંતિ અનુભવાતી નથી. તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી કે દેશના જૂના શાંતિપૂર્ણ દિવસો ફરી પાછા આવે.
5 મિનિટ માટે PM બન્યા, વિદેશ પ્રવાસ પર કટાક્ષ?
શોના એક સેગમેન્ટમાં સંજય દત્તને કલ્પના કરવા કહેવામાં આવ્યું હતું કે જો તેઓ પાંચ મિનિટ માટે ભારતના વડાપ્રધાન બને તો જનતાને શું કહેશે. આ સવાલનો જવાબ તેમણે ‘મુન્ના ભાઈ’ના અંદાજમાં આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન બનવાની ખુશી મનાવવા વિદેશ નહીં જાય અને લોકોની વચ્ચે ભારતમાં જ રહેશે, કારણ કે PM અને જનતા વચ્ચેનું કનેક્શન જળવાઈ રહેવું જોઈએ. આ વાતને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો પરના પરોક્ષ કટાક્ષ તરીકે જોઈ હતી.
વિવાદ વધ્યો તો સંજય દત્તે શું કહ્યું?
વિવાદ બાદ સંજય દત્તે સ્પષ્ટતા કરી હતી કે કોઈ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે તેમની વાતો એક સ્ક્રિપ્ટેડ વાતચીતના ભાગરૂપે કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય હળવો હાસ્ય અને ‘મુન્ના ભાઈ’ની ‘ગાંધીગીરી’ દ્વારા પ્રેમ, એકતા અને સદ્ભાવનાનો સંદેશ આપવાનો હતો. તેમણે વધુમાં કહ્યું કે કમનસીબે તેમના શબ્દોને મૂળ સંદર્ભથી અલગ રીતે સમજવામાં આવ્યા છે.
UAE ગોલ્ડન વિઝાને લઈને પણ સવાલો ઉઠ્યા
સંજય દત્તના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની UAEમાં રહેતી પરિવારની પૃષ્ઠભૂમિને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ મુજબ સંજય દત્ત પાસે 10 વર્ષનો UAE ગોલ્ડન વિઝા છે, જ્યારે તેમની પત્ની માન્યતા દત્ત અને જોડિયા બાળકો દુબઈમાં રહે છે. સંજય દત્ત પોતાના કામ માટે મુંબઈ અને દુબઈ વચ્ચે અવરજવર કરે છે.



