પંચમહાલ પોલીસે ખાસ ડ્રાઇવ હેઠળ બે દિવસમાં જિલ્લાના અલગ અલગ 5 સ્થળેથી રૂ 2.15 કરોડનો દારૂનો જથ્થો પકડી પાડીને વિવિધ પોલીસ મથકે પ્રોહીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની હેરાફેરી કરનારાઓ સામે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત માત્ર બે જ દિવસમાં જિલ્લાની વિવિધ પોલીસ ટીમોએ કુલ 5 અલગ-અલગ સ્થળોએ મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના જથ્થા સાથે અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 2,15,35,538 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના દરોડા
લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાયપાસ રોડ પર પરવડી ચોકડીથી તૃપ્તી હોટલ તરફ જતા હાઇવે પર નાકાબંધી ગોઠવી ટાટા કન્ટેનરમાંથી 2,592 વિદેશી દારૂની બોટલ અને ક્વાટરીયા જેની કિંમત રૂ 25,66,560નો જથ્થો જપ્ત કર્યો હતો. ગોધરા બાયપાસ લીલેસરા ચોકડી પાસેથી 9,180 વિદેશી દારૂની બોટલ અને ક્વાટરીયા જેની કિંમત રૂ 74,45,616, કન્ટેનર મળીને કુલ 84.50 લાખનો મુદ્દામાલ પકડી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે સિમલિયા ગામ કરોલી ફાટક એટલે કે ઘોઘંબા તાલુકામાં નાકાબંધી દરમિયાન 16,056 દારૂના કવાટરીયા તથા બિયર ટીન જેની કિંમત રૂ 36,84,606 ભરેલી આઇસર ટ્રક પકડી હતી.
બે દિવસમાં પોલીસે સપાટો બોલાવી દીધો
આ સિવાય, મલ્લાકૂવા પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં રૂ 9.18 લાખની 5,974 દારૂની બોટલો અને બિયર ભરેલી આઈસર ગાડી સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી હતી. ગોધરા તાલુકા ગઢ પાસે નાકાબંધી દરમિયાન 69,20,736 રૂપિયાની 24,048 દારૂની બોટલો અને બીયર ટીનના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડ્યા હતા.



Leave a Comment