વડોદરા શહેરમાં હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડને નશાની હાલતમાં એક નાગરિક સાથે બોલાચાલી અને ગંદી ગાળો ભાંડતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. જ્યારે લોકોએ તેને આ હાલતમાં ઝડપી પાડ્યો ત્યારે એવી સૂફિયાણી રીતે કહેવા લાગ્યો કે ‘મે નશો કર્યો નથી, ચાલો હું આવું છું તમારી સાથે પોલીસ સ્ટેશન.’
તપાસમાં પોલીસકર્મીએ નશો કર્યો હોવાનું ખૂલ્યું
બે સ્થાનિક પંચો, સાહિદખાન નિઝામખાન પઠાણ અને શેખ અસલમભાઈ મલંગમિયાની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસે સંજયસિંહનું મોઢું સૂંઘી તપાસ કરતાં દારૂની તીવ્ર વાસ આવતી હતી. તેમની આંખો લાલ અને નશાથી ઘેરાયેલી હતી અને તેઓ શારીરિક સંતુલન જાળવી શકતા નહોતા. આ દરમિયાન સંજયસિંહે દારૂ પીવા માટેનું કોઈ પરમિટ પણ ન હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંજયસિંહની ડ્યૂટી ગત રોજ સવારથી સાંજ સુધી હતી.
અગાઉ પણ હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં ઝડપાયો હતો
ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસ પહેલાં પણ વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નશાની હાલતમાં ઝડપાયો હતા. પોતાની જ સોસાયટીમાં નોકરી પૂરી કર્યા બાદ દારૂ પીધેલી હાલતમાં આવી સ્થાનિકો સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો જેનો વીડિયો કોઈ સ્થાનિકે બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.



Leave a Comment