ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ડોમેસ્ટિક ફોર્મેટમાં જે આંકડા નોંધાવ્યા છે તે અદ્ભુત છે. 100 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 26.25ની એવરેજથી 423 વિકેટો લેવી એ નાની વાત નથી. તેણે 26 વખત ઇનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટો અને 7 વખત મેચમાં 10 વિકેટો ઝડપી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 7/32 રહ્યું છે. આ આંકડા સાબિત કરે છે કે, તે માત્ર બોલર નથી, પરંતુ મેચ વિનર છે.
રણજી ટ્રોફીનો સૌથી સફળ બોલર પણ સ્પર્ધા બની વિલન
2017-18ની સીઝનથી લઈને અત્યાર સુધી ધર્મેન્દ્રસિંહે રણજી ટ્રોફીમાં 293 વિકેટો ઝડપી છે, જે આ સમયગાળામાં કોઈ પણ બોલર કરતાં વધુ છે આમ છતાં, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા વિશ્વસ્તરીય સ્પિનરોની હાજરીને કારણે ભારતીય ટેસ્ટ ટીમમાં તેમના માટે દરવાજા ક્યારેય ખૂલી ન શક્યા.
માત્ર બોલિંગ નહીં, બેટિંગમાં પણ છવાયો
ધર્મેન્દ્રસિંહ એક ઓલરાઉન્ડર તરીકે સામે આવ્યા છે. તેણે લિસ્ટ-Aની 90 મેચોમાં 121 વિકેટો (શ્રેષ્ઠ 7/10) અને T-20માં 65 વિકેટો લીધી છે. બેટિંગની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 7 અર્ધસદી સાથે 2123 રન નોંધાયેલા છે. આ ઉપરાંત લિસ્ટ-Aમાં 566 અને T-20માં 208 રન બનાવીને તેણે પોતાની ઓલરાઉન્ડ ક્ષમતા સાબિત કરી છે.
સૌરાષ્ટ્ર સાથે છેડો ફાડ્યો
નામમાં ‘જાડેજા’ હોવાથી અને ડાબા હાથથી સ્પિન કરવાને કારણે ફેન્સ ઘણીવાર તેમને રવીન્દ્ર જાડેજાના સગા સમજી બેસે છે પરંતુ, બંને વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી. સૌરાષ્ટ્રની ટીમનો આધારસ્તંભ રહ્યા બાદ હવે 36 વર્ષીય ધર્મેન્દ્રસિંહે SCA પાસેથી NOC લઈ લીધું છે અને આગામી ડોમેસ્ટિક સીઝનમાં તે છત્તીસગઢ તરફથી રમતા જોવા મળશે.




Leave a Comment