ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે દર્શન માટે આવેલા 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બાળકને સિંહ જંગલમાં ખેંચી ગયો હતો અને બાદમાં શોધખોળ દરમિયાન તેના કપડાં અને શરીરના અવશેષો જ મળી આવ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગ અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે.
50 પગથિયાં ચડતાં જ સિંહે બાળકને ખેંચી ગયો
મૃતક બાળકના કાકા અનિલકુમારસિંહ ચૌહાણના મુજબ, પરિવાર વહેલી સવારે ગિરનારના મુખ્ય ગેટથી અંદર પ્રવેશીને આશરે 50 જેટલા પગથિયાં ચઢ્યો હતો. તે દરમિયાન અંધારામાંથી અચાનક એક સિંહ બહાર આવ્યો અને પાછળથી 12 વર્ષના મયુરસિંહ મહેન્દ્રસિંહ પર હુમલો કર્યો. પરિવારજનો કંઈ સમજે તે પહેલાં જ સિંહ બાળકને તેમના હાથમાંથી ખેંચીને જંગલ તરફ ભાગી ગયો. ઘટનાના કારણે ભારે ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.
જંગલમાંથી મળ્યા કપડાં અને શરીરના અવશેષો
વન વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા જંગલમાં તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી તપાસ બાદ બાળકના બૂટ, લોહીથી લથબથ કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. આ કરુણ ઘટનાએ સમગ્ર યાત્રાધામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
પરિવારે તંત્ર સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
મૃતકના પરિવારજનોએ વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે, કે ગિરનારની સીડીઓ પર પૂરતી લાઇટિંગ વ્યવસ્થા ન હોવાથી અંધારામાં વન્યજીવો દેખાતા નથી. તેમણે ગિરનારના સમગ્ર રૂટ પર પૂરતી લાઇટની વ્યવસ્થા, નિયમિત પેટ્રોલિંગ અને અમુક અંતરે વન વિભાગના કર્મચારીઓ તહેનાત કરવાની માંગ કરી છે.
સ્થાનિકોમાં પણ ભયનો માહોલ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ જોવા મળતો હતો. તેમ છતાં સુરક્ષાને લઈને પૂરતા પગલાં લેવામાં આવ્યા ન હોવાથી આ દુર્ઘટના બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
મુખ્ય સીડી બંધ, જૂના રૂટ પરથી અવરજવર
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને પોલીસ દ્વારા ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓને હાલ જટાશંકર તરફની જૂની સીડીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
સિંહને પકડવા સર્ચ ઓપરેશન શરૂ
વન વિભાગે અનેક ટીમો બનાવી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સિંહને પકડવા માટે ઘટનાસ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. અધિકારીઓ સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખી રહ્યા છે અને યાત્રિકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.




Leave a Comment