શું તમારી સાથે પણ એવું બને છે કે, ફોન ખિસ્સામાં જ હોય છતાં તમે તેને આસપાસ શોધી રહ્યા હોવ અથવા કોઈ કામ માટે ઊભા થયા હોવ પરંતુ, અચાનક ભૂલી જવાય કે શું કરવાનું હતું? જો હા, તો તમે એકલા નથી. આજે 20થી 30 વર્ષના યુવાનોમાં પણ નાની-નાની વાતો ભૂલી જવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ક્યારેક વાતો ભૂલી જવી સામાન્ય છે
પરંતુ, જો આવું વારંવાર બનતું હોય તો સતર્ક થઈ જવું જરૂરી છે. આ કોઈ ગંભીર બીમારીનું લક્ષણ ન પણ હોય પરંતુ, તમારી બગડેલી જીવનશૈલીનો સ્પષ્ટ ઈશારો ચોક્કસ છે. ‘વર્લ્ડ બ્રેઈન ડે’ના અવસરે જાણીતા નિષ્ણાતેયુવાનોમાં યાદશક્તિ નબળી પડવા પાછળના મુખ્ય કારણો અને તેના ઉપાયો નીચે મુજબ છે.
સ્ક્રીન ટાઈમ અને પૂરતી ઊંઘનો અભાવ
નબળી યાદશક્તિ પાછળ સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ અને ઊંઘની કમી સૌથી મોટા જવાબદાર પરિબળો છે. કલાકો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું કે, એક એપથી બીજી એપ પર સ્વિચ કરતા રહેવાથી મગજનો અટેન્શન સ્પેન (એકાગ્રતાનો સમય) ઘટે છે,
જેનાથી મગજ સહેલાઈથી ભટકી જાય છે અને બાબતો યાદ રાખવાની ક્ષમતા ઘટી જાય છે. આ ઉપરાંત, મોડે સુધી જાગવું અને 7થી 8 કલાકથી ઓછી ઊંઘ લેવાથી મગજને ‘રીસેટ’ થવાનો પૂરતો સમય મળતો નથી, જેનાથી મગજની કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે છે.
માનસિક તણાવ, ખરાબ ખાનપાન અને વ્યસન
આજના યુવાનો પર અભ્યાસ, કારકિર્દી, નાણાકીય સ્થિતિ અને સંબંધોનું ભારે દબાણ રહે છે, જેનાથી સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે અને એકાગ્રતા ઘટે છે. સાથોસાથ મગજના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી એવા વિટામિન B12 અને વિટામિન Dની શરીરમાં ઊણપથી પણ યાદશક્તિ નબળી પડે છે.
આ સિવાય જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, પાણી ઓછું પીવું, કસરતનો અભાવ તેમજ સિગારેટ અને દારૂનું વ્યસન જેવી બગડેલી લાઈફસ્ટાઈલ પણ મગજ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.
લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરીને મેળવો રાહત
સારી વાત એ છે કે, જીવનશૈલીમાં કેટલાક જરૂરી ફેરફાર કરીને આ સ્થિતિમાં સુધારો કરી શકાય છે. તેના માટે રોજ ઓછામાં ઓછી 7થી 9 કલાકની ગાઢ ઊંઘ લો અને સૂવાના એક કલાક પહેલાં ફોન સહિતની તમામ સ્ક્રીન બંધ કરી દો. દિવસ દરમિયાન ડિજિટલ ડિટોક્સ અથવા સ્ક્રીન બ્રેક લઈને બગીચામાં ટહેલો કે સંગીત સાંભળો. આહારમાં લીલા શાકભાજી, ફળો, કઠોળ, દૂધ, ઈંડા અને ડ્રાયફ્રૂટ્સ સામેલ કરો, દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીઓ અને મગજની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારવા માટે નિયમિત મેડિટેશન (ધ્યાન) તથા કસરત કરો.
ડોક્ટરની સલાહ ક્યારે લેવી?
જો ભૂલી જવાની આ સમસ્યા ખૂબ વધી ગઈ હોય અને તમારા રોજિંદા કામકાજમાં રુકાવટ આવી રહી હોય, અથવા યાદશક્તિની સાથે તમારા સ્વભાવમાં પણ અચાનક બદલાવ દેખાઈ રહ્યો હોય, તો તેને સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરવી જોઈએ. આવી સ્થિતિમાં કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર તુરંત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરીને યોગ્ય સલાહ અને સારવાર લેવી જોઈએ.




Leave a Comment