બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર ઓવરલોડ દોડતી પેસેન્જર રિક્ષાઓ ફરી એકવાર નિર્દોષો માટે કાળ સાબિત થઈ છે. પાલનપુર નજીક આવેલા હાઇ-વે પર ખરોડિયા ચોકડી પાસે એસ.ટી. બસ અને પેસેન્જર રિક્ષા વચ્ચે સર્જાયેલી સામસામેની ભયાનક ટક્કરમાં રિક્ષામાં સવાર 3 લોકોના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 મુસાફરો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ક્ષમતા કરતા વધુ મુસાફરો ભર્યા હોવાનો ખુલાસો
મળતી વિગતો મુજબ, વડગામ તરફથી આવી રહેલી પેસેન્જર રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ એટલે કે 9 જેટલા મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. ખરોડિયા ચોકડી પાસે પહોંચતા જ સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એસ.ટી. બસ સાથે રિક્ષાની સીધી ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરો રોડ પર પટકાયા હતા. સ્થાનિક રહીશો અને રાહદારીઓએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં 2થી 3 દર્દીઓની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
પોલીસે હાઇ-વે પર ટ્રાફિક હળવો કરાવ્યો
ઘટનાની ગંભીરતાને જોતાં પાલનપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર ધસી આવ્યો હતો. પોલીસે મૃતકોના દેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના કારણે હાઇ-વે પર સર્જાયેલી વાહનોની લાંબી કતારોને પોલીસે દૂર કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.




Leave a Comment