ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Metaને અમેરિકાની ન્યૂ મેક્સિકો કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મેટા પર 942 મિલિયન ડોલર (આશરે ₹9030 કરોડ)નો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું કે, મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યુવાનોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યું છે.
ફટકારવામાં આવેલી દંડની રકમમાંથી 420 મિલિયન ડોલર (₹3993 કરોડ) યુવાનોના માનસિક ઈલાજ પાછળ ખર્ચવામાં આવશે, જ્યારે બાકીની રકમ આગામી 5 વર્ષમાં જાગૃતિ, અટકાયત અને સ્ક્રીનિંગ સેવાઓ પાછળ વપરાશે.
બે તબક્કામાં ચાલ્યો કેસ અને ગંભીર આરોપો
આ સનસનાટીભર્યો કેસ બે તબક્કામાં ચાલ્યો હતો. પ્રથમ તબક્કામાં કોર્ટે મેટા પર ₹3571 કરોડનો સિવિલ દંડ લગાવતા કહ્યું હતું કે, કંપની પોતાના પ્લેટફોર્મ પર બાળકોના શોષણથી માહિતગાર હોવા છતાં તેને છુપાવતી રહી. જ્યારે બીજા તબક્કામાં ₹5390 કરોડનો વધારાનો દંડ ફટકારવામાં આવ્યો. પ્રોસિક્યુટર્સે કોર્ટ સમક્ષ મેટાના એલ્ગોરિધમમાં પાયાના ફેરફારો કરવાની માંગ કરી હતી, જેથી લત લગાડતા ફીચર્સ અને એજ વેરિફિકેશન સિસ્ટમ સુધારી શકાય.
ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલે દાખલ કર્યો હતો કેસ
આ કેસ ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલ રાઉલ ટોરેસ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપ હતો કે, મેટાના એલ્ગોરિધમ્સ બાળકોને સોશિયલ મીડિયાની ‘લત’ લગાડે છે,
જેના કારણે બાળકોમાં ડિપ્રેશન, ઈટિંગ ડિસઓર્ડર અને આત્મહત્યા જેવા કિસ્સાઓ વધ્યા છે. વધુમાં, કંપનીના પ્લેટફોર્મનો ઉપયોગ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ માટે થતો હોવાનું જાણવા છતાં મેટાએ કોઈ નક્કર પગલાં લીધા નહોતા.




Leave a Comment