લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gir Somnath Kodinar Lion Attack : સિંહણના હુમલામાં યુવકનું મોત! પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, ઘટનાથી વિસ્તારમાં ચકચાર

by

Thenewsdk

Updated: 14-10-2026, 04.43 PM

Follow us:

રાત્રિના સમયે પોતાના ઘરની બહાર ટેબલ પર સૂતેલા 30 વર્ષીય યુવક મહેશ પ્રતાપ રાઠોડ પર અચાનક આવી પહોંચેલી સિંહણે હુમલો કર્યો હતો. સિંહણ યુવાનને ઘસડીને સીમ વિસ્તાર તરફ લઈ ગઈ હતી. સવારે યુવાન ગાયબ જણાતાં ગ્રામજનો અને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં ઘરથી અંદાજે દોઢથી બે કિલોમીટર દૂર યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો.

સિહણે યુવકને ફાડી ખાંધો.

પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
મૃતક મહેશ રાઠોડ પોતાના પાછળ પત્ની અને પાંચ નાનાં-નાનાં બાળકોને વિલાપ કરતા છોડી ગયા છે. વન વિભાગના નિયમ મુજબ 10 લાખની સહાય આપવામાં આવે છે, પરંતુ પરિવારજનો અને ગ્રામજનોએ આ સહાય લેવાની અને મૃતદેહ સ્વીકારવાની સખત ના પાડી દીધી છે. વલાદર ગ્રામ પંચાયતના સરપંચ જીતુ સોલંકી અને પરિવારજનોનું કહેવું છે કે, 10 લાખની રકમમાં પાંચ માસુમ બાળકોનું આજીવન ભરણપોષણ શક્ય નથી. તેથી પરિવારને ઓછામાં ઓછું 40 લાખનું વળતર અને આજીવિકા માટે યોગ્ય સહાય ન મળે ત્યાં સુધી બોડી સ્વીકારવામાં નહીં આવે.

મૃતક યુવકનું ઘર.

જંગલ કરતાં બાગાયતી ખેતરોમાં વન્યજીવોનો જમાવડો વધી ગયો
વલાદર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હનીફ મકરાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારું ગામ ગીર કાંઠાનું ગામ છે જ્યાં 90 ટકા વિસ્તારમાં બાગાયતી ખેતી થાય છે. હાલના સમયે જંગલ વિસ્તાર કરતાં પણ વધુ સિંહો બાગાયતી ખેતરોમાં વસવાટ કરી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવતો નથી.” તેમણે મંત્રી અર્જુન મોઢવાડિયા અને સરકાર સમક્ષ રજૂઆત કરીને પીડિત પરિવારને યોગ્ય ન્યાય આપવાની માગ કરી છે.

વનવિભાગની ટીમ વલાદર ગામે પહોંચી.

વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે ત્રણ પાંજરાં ગોઠવવામાં આવ્યા
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો વલાદર ગામે પહોંચી ગયો છે. હુમલાખોર સિંહણને તાત્કાલિક ઝડપી પાડવા માટે ગામ અને આસપાસના સીમ વિસ્તારમાં ત્રણ પાંજરાં ગોઠવવામાં આવ્યા છે. સિંહણની હિલચાલ પર નજર રાખવા માટે વન રક્ષકોની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી અન્ય કોઈ ગ્રામજન પર આવો હુમલો ન થાય.

સિંહણને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યું.

માનવ-વન્યજીવ સંઘર્ષ અને કાનૂની જોગવાઈઓ
ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના સરહદી ગામોમાં છેલ્લા કેટલાક સમયથી માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે. ચોમાસા અને પાકની મોસમ દરમિયાન સિંહો રેવન્યુ વિસ્તાર અને માનવ વસાહતો તરફ વળતા હોય છે. વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ મૃતકના આશ્રિતોને નાણાકીય રાહત ચૂકવવામાં આવે છે. સ્થાનિક અગ્રણીઓએ માનવ આવાસ નજીક ફરતા સિંહોને ઊંડા જંગલમાં ખસેડવાની મજબૂત માગ કરી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤