આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) સામાન્ય રીતે બેક્ટેરિયા, વાયરસ અને અન્ય હાનિકારક તત્વોથી શરીરનું રક્ષણ કરે છે. પરંતુ જ્યારે આ જ રોગપ્રતિકારક શક્તિ ભૂલથી શરીરના સ્વસ્થ કોષો અને અંગો પર હુમલો કરવા લાગે છે, ત્યારે તેને સ્વયંપ્રતિરક્ષા (ઓટોઇમ્યુન) રોગ કહેવામાં આવે છે. આવા રોગોના કારણે સાંધામાં દુખાવો, ત્વચા પર ખંજવાળ, થાઇરોઇડની સમસ્યા સહિત શરીરના અનેક અંગો પ્રભાવિત થઈ શકે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે, કે શું આવા રોગોનો સંપૂર્ણ ઈલાજ શક્ય છે?
શું છે સ્વયંપ્રતિરક્ષા (ઓટોઇમ્યુન) રોગ?
સ્વયંપ્રતિરક્ષા રોગોમાં શરીરની ઇમ્યુન સિસ્ટમ પોતાના જ સ્વસ્થ કોષોને દુશ્મન સમજીને તેમના પર હુમલો કરે છે. પરિણામે શરીરમાં લાંબા સમય સુધી સોજો, દુખાવો અને વિવિધ પ્રકારની આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં ઓટોઇમ્યુન રોગોના 80થી વધુ પ્રકાર જોવા મળે છે, જેમાં રુમેટોઇડ આર્થરાઇટિસ, ટાઇપ-1 ડાયાબિટીસ અને હાશિમોટો થાઇરોઇડાઇટિસ સૌથી સામાન્ય છે. હોર્મોનલ ફેરફાર, આનુવંશિકતા અને કેટલીક પર્યાવરણીય પરિસ્થિતિઓ તેના કારણ બની શકે છે.
શું ઓટોઇમ્યુન રોગો સંપૂર્ણપણે મટી શકે?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં મોટાભાગના ઓટોઇમ્યુન રોગોનો સંપૂર્ણ ઈલાજ ઉપલબ્ધ નથી. જો, કે યોગ્ય સારવાર અને નિયમિત દેખરેખ દ્વારા આ રોગોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. ઘણા દર્દીઓ સામાન્ય અને સક્રિય જીવન જીવવામાં સફળ રહે છે.
સારવારનો મુખ્ય હેતુ શું હોય છે?
નિષ્ણાતો જણાવે છે, કે સારવારનો મુખ્ય હેતુ ઇમ્યુન સિસ્ટમની અતિસક્રિયતા ઘટાડવી, શરીરમાં બળતરા ઓછી કરવી, લક્ષણોને નિયંત્રિત રાખવા અને અસરગ્રસ્ત અંગોને વધુ નુકસાન થતું અટકાવવાનો હોય છે. યોગ્ય સારવારથી ઘણા દર્દીઓમાં લાંબા સમય સુધી લક્ષણો લગભગ ગાયબ થઈ જાય છે અથવા ખૂબ ઓછા રહે છે.
‘રિમિશન’ એટલે શું?
ઓટોઇમ્યુન રોગોમાં ઘણીવાર દર્દી ‘રિમિશન’ની સ્થિતિમાં પહોંચી શકે છે. તેનો અર્થ એ થાય છે, કે રોગના લક્ષણો લાંબા સમય સુધી દેખાતા નથી અથવા ખૂબ ઓછા રહે છે. પરંતુ તેનો અર્થ એવો નથી, કે રોગ સંપૂર્ણપણે મટી ગયો છે. યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો ભવિષ્યમાં ફરીથી રોગ સક્રિય થઈ શકે છે.
રોગને નિયંત્રણમાં રાખવા શું કરવું?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સમયસર નિદાન અને નિયમિત સારવાર સૌથી મહત્વપૂર્ણ છે. ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી, નિયમિત ચેકઅપ કરાવવો, સંતુલિત આહાર લેવો, પૂરતી ઊંઘ લેવી, તણાવ ઓછો રાખવો અને શારીરિક રીતે સક્રિય રહેવું જેવી આદતો રોગને લાંબા ગાળા સુધી નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે. સારવારનો હેતુ માત્ર લક્ષણો ઘટાડવાનો નહીં પરંતુ દર્દીના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો પણ હોય છે




Leave a Comment