કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા મુજબ આ સ્થિતિ પાછળનું મુખ્ય કારણ આપણને વારસામાં મળેલી આનુવંશિક રચના છે. જોકે, માનવ શરીર, જીવનશૈલી અને પર્યાવરણમાં વિવિધતા હોવાને કારણે આ સચોટ સંબંધ સાબિત કરવો અગાઉ અત્યંત પડકારજનક હતો.
કેન્સર રિસર્ચ યુકે કેમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટમાં આ અભ્યાસનું નેતૃત્વ કરનાર ડંકન ઓડમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “કેન્સર એ માત્ર આકસ્મિક રીતે કે સંયોગથી થતી બીમારી નથી.”
ઉંદર પર પ્રયોગ કરી વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું રહસ્ય
માનવ અભ્યાસમાં નડતા પર્યાવરણીય અવરોધોને દૂર કરવા માટે વિજ્ઞાનીઓએ અલગ-અલગ જિનેટિક્સ ધરાવતા 4 પ્રકારના ઉંદર પર પ્રયોગ કર્યા હતા. તેઓને સિગારેટના ધુમાડા અને પ્રોસેસ્ડ ફૂડમાં જોવા મળતા ‘ડાયઇથાઇલનાઇટ્રોસામાઇન’ (DEN) કેમિકલનો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ રસાયણ ડીએનએને નુકસાન પહોંચાડી મ્યુટેશન પેદા કરે છે, જેનાથી ટ્યુમર (ગાંઠ) બને છે. તમામ ઉંદરોમાં જોવા મળ્યું કે, કેન્સર મોટાભાગે એક સમાન કેન્સર-પ્રોત્સાહક સિગ્નલિંગ સિસ્ટમ (MAPK Pathway) ને સક્રિય કરે છે, જે કોષોની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. પરંતુ, દરેક ઉંદરના અલગ જિનેટિક્સને કારણે મ્યુટેશને કેન્સર સંબંધિત અન્ય કાર્યોની ગતિવિધિ બદલી નાખી હતી.
કેન્સર સ્ક્રીનિંગ અને સચોટ સારવાર પર થશે અસર
સંશોધકોનું માનવું છે કે, આ તારણોથી કેન્સરની પ્રારંભિક તપાસ અને સચોટ સારવારની પદ્ધતિમાં ક્રાંતિકારી બદલાવ આવશે. ભવિષ્યમાં કેન્સર નિવારણ અને સારવારની વ્યૂહરચના બનાવતી વખતે વારસાગત આનુવંશિકતા અને વસ્તીવિષયક વિવિધતાઓને વધુ ધ્યાનપૂર્વક ધ્યાનમાં લેવી પડશે.




Leave a Comment