મળતી માહિતી મુજબ, શહેરના વાવડી રોડ પર આવેલા મહમદી બાગ, શેરી નંબર-6માં રહેતા આમદભાઈ શેખ મંગળવારે બપોરે આશરે 12 વાગ્યે અરબનીયા સ્કૂટર લઈને મવડી 80 ફૂટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ક્રેઇને અચાનક તેમના સ્કૂટરને અડફેટે લીધું હતું.
અકસ્મતે આમદભાઈ રસ્તા પર પટકાયા બાદ ક્રેઇનનું તોતિંગ વ્હીલ તેમના માથા પરથી ફરી વળ્યું હતું. ગંભીર ઈજાને કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. CCTVમાં પણ ક્રેઇન દ્વારા સ્કૂટરને ટક્કર મારવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે.
લોકો એકત્ર થાય તે પહેલાં ચાલક ફરાર
અકસ્મત બાદ આસપાસના લોકો એકત્ર થાય તે પહેલાં જ ક્રેઇનચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી.

EMTએ આમદભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચાર દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આમદભાઈ ડ્રિલિંગ મશીન રીપેરીંગનું કામ કરતા હતા. તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે. અકસ્માતમાં પરિવારના આધારસ્તંભ સમાન પિતાનું મોત થતાં ચારેય દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર ક્રેઇનચાલકને ઝડપી પાડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી છે.



