ગુજરાતમાં લોકપ્રિય બનેલા કન્ટેન્ટ ક્રિએટર ‘ગુજ્જુ લવ ગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડના અકાળે અવસાન બાદ તેમના પરિવારને મોટી આર્થિક સહાય મળી છે. પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ₹2 કરોડની સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો,
પરંતુ ચાહકો અને દાતાઓ તરફથી મળેલી મદદ આ રકમ કરતાં ઘણી વધારે થઈ છે. અત્યાર સુધી ઓનલાઇન માધ્યમથી પરિવારને ₹2.96 કરોડની સહાય મળી છે,
જ્યારે વિદેશી કરન્સીમાં 1,873 ડોલર પણ મળ્યા હોવાનું જણાવાયું છે. પરિવારને મળેલી સહાયના ઉપયોગ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી જાહેર કરવામાં આવી હતી.
કોના નામે કેટલી FD કરવામાં આવી?
મળેલી સહાયમાંથી પરિવારના અલગ-અલગ સભ્યોના નામે FD કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ચંદન રાઠોડના પિતાના નામે ₹40 લાખ, ભાઈના નામે ₹1 કરોડ અને પત્નીના નામે ₹41 લાખની FD કરવામાં આવી છે. બંને બાળકોના નામે ₹41-41 લાખની, જ્યારે બંને બહેનોના નામે ₹11-11 લાખની FD કરવામાં આવી છે.
દીકરાના નામે જમીન ખરીદાશે
પરિવાર માટે કરવામાં આવેલી અન્ય જોગવાઈમાં ચંદન રાઠોડના દીકરાના નામે જમીન ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આ જમીન માટે ₹53.71 લાખનો ખર્ચ કરવામાં આવશે.
₹2 કરોડના ટાર્ગેટ સામે ₹3.60 કરોડથી વધુ સહાય
ચંદન રાઠોડના પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સેવાભાવી અગ્રણીઓ દ્વારા શરૂઆતમાં ₹2 કરોડની સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં રહેતા તેમના ચાહકો અને દાતાઓએ મોટી સંખ્યામાં સહાય કરતાં આ રકમ અંદાજે ₹3.60 કરોડને વટાવી ગઈ છે.



