ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચે છે. આ વખતે બંને ટીમો એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ માટે આમને-સામને છે. ભારત પોતાની મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે પાકિસ્તાન પણ યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે પડકાર આપવા તૈયાર છે. એશિયન ગેમ્સમાં ભારત માટે આ બીજી ક્રિકેટ ભાગીદારી છે અને 2023માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય ટીમ આ વખતે પણ ટાઈટલ જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.
બંને ટીમોની ફાઈનલ સુધીની સફર
ટૂર્નામેન્ટમાં વરસાદના કારણે ક્વાર્ટર ફાઈનલના મુકાબલા રદ થયા હતા. પરિણામે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને રેન્કિંગના આધારે સીધી સેમિફાઈનલમાં પ્રવેશ મળ્યો હતો. ત્યારબાદ ભારતે શ્રીલંકાને હરાવી ફાઈનલની ટિકિટ મેળવી, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવી ગોલ્ડ મેડલ મેચમાં સ્થાન મેળવ્યું.
ભારતની નજર મજબૂત બેટિંગ અને સ્પિન પર
શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન અને તિલક વર્મા જેવા બેટિંગ વિકલ્પો છે. બોલિંગમાં જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સેમિફાઈનલમાં શ્રીલંકા સામે ભારતની બોલિંગે પણ અસર છોડી હતી. હવે પાકિસ્તાન સામે ભારતીય સ્પિનરો અને બુમરાહની ભૂમિકા ખાસ મહત્વની બની શકે છે.
પાકિસ્તાનની ટીમ પણ તૈયાર
સાહિબઝાદા ફરહાનની આગેવાની હેઠળની પાકિસ્તાન ટીમમાં સાઇમ અય્યુબ, માજ સદાકત, ઉસ્માન ખાન, હસન નવાઝ, અબ્દુલ સમદ અને અરાફાત મિન્હાસ જેવા ખેલાડીઓ સામેલ છે. ટીમના સ્પિન બોલિંગ વિભાગમાં અબરાર અહમદ અને સુફિયાન મોકિમ જેવા વિકલ્પો છે. પાકિસ્તાને સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ માટે રમનારી પાકિસ્તાની ટીમ સામે ભારતનો પડકાર રહેશે.
Korogi Sports Parkની પીચ પર સ્પિનરોની ભૂમિકા
નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાનારી મેચમાં પીચની સ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે. તાજેતરના વરસાદ અને સ્થાનિક પરિસ્થિતિઓને કારણે પીચ પર સ્પિનરોને મદદ મળવાની શક્યતા અંગે ચર્ચા છે. ભારત પાસે અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈ જેવા સ્પિન વિકલ્પો હોવાથી મધ્ય ઓવરોમાં તેમની ભૂમિકા મહત્વની બની શકે છે. જોકે, વરસાદની શક્યતા પણ મેચ માટે મહત્વનું પરિબળ બની શકે છે. આ ફાઈનલ માટે રિઝર્વ ડે ન હોવાથી વરસાદને કારણે મેચનું પરિણામ પ્રભાવિત થઈ શકે છે.
IND vs PAK Final: ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટ ફાઈનલ 3 ઓક્ટોબર, શનિવારના રોજ જાપાનના નિશિન શહેરના Korogi Sports Park ખાતે રમાશે. મેચ શરૂ થવાનો સમય: ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે. મેચનું લાઈવ પ્રસારણ ભારતમાં Sony Sports Network પર અને લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV પર ઉપલબ્ધ રહેશે.
ભારતની સંપૂર્ણ સ્ક્વોડ
શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, નિતિશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર અને વિપ્રજ નિગમ.
પાકિસ્તાનની સંપૂર્ણ સ્ક્વોડ
સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માજ સદાકત, ઉસ્માન ખાન, સાઇમ અય્યુબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહમદ દાનિયાલ, મોહમ્મદ વસીમ જુનિયર, અબરાર અહમદ, સુફિયાન મોકિમ, સાદ મસૂદ, અલી રઝા, આકિફ જાવેદ અને હૈદર અલી.



