CSA T20 ચેલેન્જમાં ટાઇટન્સ તરફથી રમતા પ્રીટોરિયસે નાઇટ્સ સામે માત્ર 79 બોલમાં અણનમ 188 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેણે ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી પુરુષોની T20 ક્રિકેટમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ગેલનો 175 રનનો રેકોર્ડ તૂટ્યો
આ પહેલાં પુરુષોની T20 ક્રિકેટમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ગેલે 2013ની IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતાં પુણે વોરિયર્સ સામે અણનમ 175 રનની ઇનિંગ રમી હતી. આ રેકોર્ડ 13 વર્ષથી યથાવત હતો, પરંતુ હવે પ્રીટોરિયસે 188* રન બનાવી તેને પાછળ છોડી દીધો છે.
24 બોલમાં ફિફ્ટી, 40 બોલમાં સદી
પ્રીટોરિયસે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ વધુ 16 બોલમાં સદી સુધી પહોંચી ગયો હતો. એટલે કે માત્ર 40 બોલમાં તેણે 100 રન પૂરા કર્યા હતા. 150 રનનો આંકડો પણ તેણે માત્ર 58 બોલમાં પાર કરી લીધો હતો. 79 બોલની અણનમ ઇનિંગ દરમિયાન પ્રીટોરિયસે 13 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. તે ડબલ સદીની નજીક પહોંચી ગયો હતો, પરંતુ 20 ઓવર પૂરી થતાં 188 રન પર અણનમ રહ્યો. ડબલ સદી માટે તેને માત્ર 12 રનની જરૂર હતી.
ટાઇટન્સે 20 ઓવરમાં 267 રન બનાવ્યા
પ્રીટોરિયસની રેકોર્ડબ્રેકિંગ ઇનિંગના કારણે ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 267 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ CSA T20 ચેલેન્જના ઇતિહાસમાં બીજો સૌથી મોટો ટીમ સ્કોર છે. અગાઉ આ જ ટૂર્નામેન્ટમાં ડેવાલ્ડ બ્રેવિસે 162 રનની ઇનિંગ રમીને સૌથી મોટા વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો, જે હવે પ્રીટોરિયસે પાછળ છોડી દીધો છે.



