ભારતીય વાયુસેનાનું સૌથી લાંબો સમય સેવા આપનાર લડાકૂ વિમાન MIG-21 આજે, 26 સપ્ટેમ્બરે, સત્તાવાર રીતે સેવામુક્ત થઈ ગયું. ભારતનું પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ ગણાતું આ વિમાન 1963માં વાયુસેનામાં સામેલ થયું હતું અને આજે 63 વર્ષની અવિસ્મરણીય સફરને પૂર્ણ કરીને ઇતિહાસ બની ગયું. ચંદીગઢમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં MIG-21ને અંતિમ સલામી આપવામાં આવી,
જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, CDS જનરલ અનિલ ચૌહાણ, COAS જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને CNS એડમિરલ દિનેશ કે ત્રિપાઠી હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત વિંગ કમાન્ડર રાજીવ બત્તીશે કહ્યું કે, ‘MIG-21નો ઇતિહાસ અદભૂત રહ્યો છે. દેશભરના તેમજ વિદેશથી આવેલા લોકોની હાજરી સાબિત કરે છે કે આ વિમાન સાથે દરેકનો લાગણીસભર સંબંધ છે.’
ભારતના યુદ્ધ ઇતિહાસમાં MIG-21નું યોગદાન
– 1965ના યુદ્ધમાં પાકિસ્તાની વિમાનોને ટક્કર આપી પોતાની ક્ષમતા સાબિત કરી.
– 1971માં પૂર્વી પાકિસ્તાનની મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
– 1999ના કારગિલ યુદ્ધમાં રાત્રિ અભિયાન ચલાવી દુશ્મનને નુકસાન પહોંચાડ્યું.
– 2019માં બાલાકોટ બાદના મુકાબલામાં MIG-21 બાયસન દ્વારા પાકિસ્તાનનું F-16 તોડી પાડવામાં આવ્યું, જે અભિનંદન વર્ધમાનના પરાક્રમથી ઇતિહાસમાં નોંધાયું.
– 2025ના ઓપરેશન સિંદૂર દરમિયાન MIG-21એ પોતાની છેલ્લી મોટી કામગીરી બજાવી.
MIG-21ની તકનીકી વિશેષતાઓ
– મહત્તમ ગતિ: 2,200 કિમી પ્રતિ કલાક (Mach 2.05).
– સર્વોચ્ચ ઊંચાઈ: 17,500 મીટર સુધી.
– હથિયાર: હવા-થી-હવા તથા હવા-થી-જમીન પર હુમલા કરતી મિસાઇલોથી સજ્જ.
– ડિઝાઇન: નાનું, ઝડપી અને શક્તિશાળી, જે ડોગફાઇટ તથા ચોક્કસ હુમલાઓ માટે આદર્શ.
MIG-21 ફક્ત એક વિમાન નહોતું, પરંતુ તે ભારતની હવાઈ શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતિક રહ્યું છે. તેની વિદાય સાથે ભારતીય વાયુસેનાના એક તેજસ્વી અધ્યાયનો અંત આવ્યો છે, પરંતુ તેનો વારસો સદાકાળ જીવંત રહેશે.



Leave a Comment