ટોરોન્ટો સિક્સર્સ સામે અલી ખાને એવો બાઉન્સર ફેંક્યો કે બોલ વિકેટકીપરના માથા ઉપરથી સીધો બાઉન્ડ્રી પાર પહોંચી ગયો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બાઉન્સર સીધો બાઉન્ડ્રી પાર
ટોરોન્ટો સિક્સર્સની ઇનિંગ દરમિયાન અલી ખાને કિરોન પોલાર્ડ સામે બાઉન્સર ફેંક્યો. બોલ એટલો ઊંચો ગયો કે વિકેટકીપરના માથા ઉપરથી સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર નીકળી ગયો. અમ્પાયરે આ બોલને વાઇડ જાહેર કર્યો અને સાથે બાઉન્ડ્રીના ચાર રન પણ આપ્યા.
અલી ખાનની બોલિંગ મોંઘી સાબિત થઈ
ટોરોન્ટો સિક્સર્સ સામે અલી ખાન માટે મેચ મુશ્કેલ રહી હતી. જમણા હાથના ફાસ્ટ બોલરે બે ઓવરમાં બે વિકેટ ઝડપી હતી, પરંતુ આ દરમિયાન 43 રન પણ આપી દીધા હતા. ટોરોન્ટો સિક્સર્સના કેપ્ટન કિરોન પોલાર્ડે માત્ર 16 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા.
એન્ડ્રેસ ગૌસે પણ 11 બોલમાં 33 રનની ઝડપી ઇનિંગ રમી. ટોરોન્ટોએ 10 ઓવરમાં 130 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મિસિસૌગા માસ્ટર્સની ટીમ 10 ઓવરમાં 121 રન સુધી જ પહોંચી શકી હતી અને તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ટોરોન્ટો સિક્સર્સ બન્યું ચેમ્પિયન
પ્રથમ સેમિફાઇનલ જીત્યા બાદ ટોરોન્ટો સિક્સર્સે ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. વાનકુવર એન્કર્સે પ્રથમ બેટિંગ કરીને 10 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. ટોરોન્ટો સિક્સર્સે અંતિમ બોલે 165 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ખિતાબ પોતાના નામે કર્યો.
ફાઇનલમાં નિકોલસ પૂરનનો ધમાકેદાર અંદાજ જોવા મળ્યો. તેણે માત્ર 23 બોલમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા. કેપ્ટન કિરોન પોલાર્ડે 13 બોલમાં 35 રન, જ્યારે ડેનિયલ સેમ્સે 9 બોલમાં અણનમ 25 રન બનાવ્યા.
નિકોલસ પૂરનને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો. સમગ્ર ટુર્નામેન્ટમાં તેણે સૌથી વધુ 207 રન બનાવ્યા હતા.



