Palanpur News : પાલનપુરના વ્યસ્ત એરોમા સર્કલ નજીક સોમવારે રાત્રે મોટી ક્રેનની બ્રેક ફેલ થતાં બેકાબૂ બનેલી ક્રેને એક પછી એક 8થી વધુ વાહનોને અડફેટે લેતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
પાલનપુરના વ્યસ્ત એરોમા સર્કલ નજીક સોમવારે રાત્રે અંદાજે 8 વાગ્યે TMS 880M મોડલની પીળી રંગની ક્રેનની અચાનક બ્રેક ફેલ થઈ હતી. બેકાબૂ બનેલી ક્રેન રસ્તા પર આગળ વધતાં કાર અને રિક્ષા સહિત 8થી વધુ વાહનોને ટક્કર મારી હતી.
અકસ્માતમાં જીજે-08-એફએ-4733 નંબરની સફેદ કારનો આગળનો ભાગ, બોનેટ અને એન્જિનનો ભાગ કચડાઈ ગયો હતો. અન્ય કારોના આગળના તથા સાઈડના ભાગોને પણ ભારે નુકસાન થયું હતું.
મિની બસનો પાછળનો ભાગ અને એક ઓટોરિક્ષા પણ ક્ષતિગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠાં થતાં ટ્રાફિક જામ અને દોડધામ સર્જાઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ નિયંત્રિત કરી હતી.



