દિલ્હીના જંતર-મંતર ખાતે દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને NEET પેપર લીક મુદ્દે છેલ્લા 20 દિવસથી આમરણ અનશન કરી રહેલા જાણીતા ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે શુક્રવારે સવારે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા છે.
આ ઘટનાને પગલે આંદોલન વધુ તેજ બન્યું છે. હોસ્પિટલ બહાર મીડિયા સાથે વાત કરતાં તેમની પત્ની ગીતાંજલિ જે. આંગમોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ કરાયા હોવા છતાં સોનમ વાંગચુકનું અનશન યથાવત્ છે અને 20 જુલાઈએ યોજાનારી સંસદ માર્ચ પણ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે.
20 જુલાઈએ સંસદ કૂચ યથાવત્
ગીતાંજલિ જે. આંગમોએ જણાવ્યું કે, સંસદ સુધીની 20 જુલાઈની માર્ચમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા લાવવાની જવાબદારી સરકાર અને નીતિ નિર્માતાઓની છે. અમારું કામ માત્ર તેમને બતાવવાનું છે કે હાલની વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ આંદોલન હવે માત્ર NEET પેપર લીક સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ સમગ્ર શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન લાવવાના હેતુ સાથે આગળ વધી રહ્યું છે. આ અભિયાન દેશની જનજાગૃતિ માટે છે અને હવે તેની અસર પણ જોવા મળી રહી છે.
ગ્લુકોઝ લેવાનો કર્યો ઇન્કાર
હોસ્પિટલના ડૉક્ટરોએ સોનમ વાંગચુકને ગ્લુકોઝ અથવા ઇલેક્ટ્રોલાઇટ પાવડર લેવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે તેને સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. છેલ્લા 20 દિવસથી તેઓ માત્ર મીઠું ભેળવેલું પાણી પીીને જ અનશન કરી રહ્યા છે.
ગીતાંજલિએ જણાવ્યું કે લાંબા ઉપવાસના કારણે તેમના શરીરમાં નબળાઈ આવી છે અને સ્નાયુઓ પર તેની અસર થઈ છે, છતાં માનસિક રીતે તેઓ સંપૂર્ણપણે મજબૂત અને પોતાના નિર્ણય પર અડગ છે.
પોલીસની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
વાંગચુકના પરિવારે દિલ્હી પોલીસ દ્વારા તેમને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. ગીતાંજલિએ જણાવ્યું કે દિલ્હી હાઇકોર્ટે ક્યાંય હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો નહોતો. કોર્ટે માત્ર એટલું જ કહ્યું હતું કે તેમના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવે અને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવામાં આવે.
તેમણે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા મેડિકલ રિપોર્ટ પર પણ શંકા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ગઈકાલે પોટેશિયમનું સ્તર 4.3 હતું, જ્યારે આજે તે અચાનક ઘટીને 2.9 હોવાનું જણાવાયું છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડાઓની સત્યતા ચકાસવા માટે તેઓ સ્વતંત્ર લેબોરેટરીમાં ટેસ્ટ કરાવશે અને કોઈપણ સારવાર પહેલાં રિપોર્ટની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરશે.




Leave a Comment