7 ઓગસ્ટે યોજાયેલી સુનાવણી દરમિયાન સંગીતા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં હાજર રહી હતી. તેમણે ન્યાયાધીશ સમક્ષ જણાવ્યું કે હવે તેઓ આ કેસ આગળ વધારવા માંગતા નથી અને પોતાની અરજી સ્વૈચ્છિક રીતે પાછી ખેંચી રહી છે. બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે અરજી પરત લેવાની મંજૂરી આપી કેસ બંધ કરી દીધો હતો. અગાઉ 15 જૂનની સુનાવણી દરમિયાન કોર્ટે કાર્યવાહી મુલતવી રાખીને આગામી તારીખ 7 ઓગસ્ટ નક્કી કરી હતી.
ફેબ્રુઆરી 2026માં દાખલ કરી હતી છૂટાછેડાની અરજી
સંગીતાએ ફેબ્રુઆરી 2026માં સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ ચેંગલપટ્ટુ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે લગ્નજીવન સંપૂર્ણપણે તૂટી ગયાનું જણાવતાં લગ્ન રદ કરવાની માંગ કરી હતી. તેમણે અરજીમાં આરોપ મૂક્યો હતો કે વિજય સાથે તેમના સંબંધો લાંબા સમયથી બગડી ગયા હતા અને લગ્નજીવન હવે આગળ ચાલી શકે તેમ નહોતું.
લગ્નેત્તર સંબંધો સહિતના ગંભીર આરોપો લગાવ્યા હતા
અરજીમાં સંગીતાએ દાવો કર્યો હતો કે વર્ષ 2021માં તેમને વિજયના એક અભિનેત્રી સાથેના કથિત સંબંધોની જાણ થઈ હતી. તેમના જણાવ્યા મુજબ વિજયે સંબંધ સમાપ્ત કરવાનો વિશ્વાસ આપ્યો હતો, પરંતુ તે ચાલુ રહેતા તેમને ગંભીર માનસિક આઘાત સહન કરવો પડ્યો હતો. સંગીતાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે વિજય ધીમે ધીમે પરિવારથી દૂર થતા ગયા, તેમને જાહેર કાર્યક્રમો અને પારિવારિક પ્રસંગોમાંથી દૂર રાખ્યા તેમજ ભાવનાત્મક, શારીરિક અને આર્થિક સહયોગ આપવાનું પણ બંધ કરી દીધું હતું.
1998માં થયા હતા લગ્ન, બે સંતાનો છે
વિજય અને સંગીતાના લગ્ન પ્રથમ વખત 1998માં યુકેમાં નોંધાયા હતા. ત્યારબાદ 1999માં ચેન્નાઈમાં પરંપરાગત હિન્દુ વિધિ અનુસાર બંનેએ લગ્ન કર્યા હતા. દંપતીને બે સંતાનો છે – પુત્ર જેસન સંજય અને પુત્રી દિવ્યા શાશા. લાંબા સમય સુધી બંને સુખી દાંપત્ય જીવન જીવતા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સંગીતા જાહેર કાર્યક્રમો અને પારિવારિક પ્રસંગોમાં જોવા ન મળતાં બંને વચ્ચે મતભેદ હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી.
અરજી પાછી ખેંચાતા અટકળો પર પૂર્ણવિરામ
છૂટાછેડાની અરજી દાખલ થતાં બંનેના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળોને બળ મળ્યું હતું. જોકે હવે સંગીતાએ પોતાની અરજી પરત ખેંચી લેતાં આ સમગ્ર કેસનો અંત આવ્યો છે. હાલ બંને તરફથી આ મામલે કોઈ સત્તાવાર જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ કોર્ટમાં અરજી પાછી ખેંચવાના નિર્ણયને તેમના સંબંધોમાં આવેલા નવા વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે.




Leave a Comment