ભારતીય ક્રિકેટના સ્ટાર બેટર રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટી ચર્ચા શરૂ થઈ છે. રવિવારે લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચ રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ બની શકે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, BCCIની પસંદગી સમિતિએ રોહિત શર્માને જાણ કરી છે કે તે 2027 ODI વર્લ્ડ કપની યોજનાનો ભાગ નહીં હોય. જો, કે બોર્ડ તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
યશસ્વી જયસ્વાલ જેવા યુવાનો પર પસંદગીકારોની નજર
અહેવાલો મુજબ, ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથેની બેઠક બાદ પસંદગીકારોએ રોહિતને ભવિષ્યની યોજનાઓ અંગે જાણ કરી હતી. ટીમ મેનેજમેન્ટ હવે 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નવી ટીમ તૈયાર કરવા માંગે છે અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને વધુ તક આપવાની યોજના બનાવી રહ્યું છે. જો, કે રોહિતે નિવૃત્તિ લેવી કે હજુ પણ પસંદગી માટે ઉપલબ્ધ રહેવું તે નિર્ણય તેમના પર છોડવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઇંગ્લેન્ડ પ્રવાસમાં રોહિતનું પ્રદર્શન નબળું રહ્યું
હાલના ઇંગ્લેન્ડ પ્રવાસમાં રોહિત શર્માનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. પ્રથમ બે વનડેમાં તેણે માત્ર 11 અને 26 રન બનાવ્યા હતા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિટનેસ પર કામ કરવા છતાં રોહિત આ નિર્ણયથી નારાજ છે અને તેમણે BCCIના કેટલાક અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા પણ કરી છે.
રોહિતની કારકિર્દી પર સવાલ ઊભા થવાના 4 કારણો:
- 2027 વર્લ્ડ કપ સુધીમાં ઉંમર 40 વર્ષથી વધુ થશે
રોહિત શર્મા હાલમાં 39 વર્ષ અને 77 દિવસના છે. 2027ના વનડે વર્લ્ડ કપ સુધીમાં તેમની ઉંમર 40 વર્ષથી વધુ થઈ જશે. આ કારણે પસંદગીકારો લાંબા ગાળાની યોજના હેઠળ યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂકી શકે છે. - નવી ટીમ બનાવવાની તૈયારી
પસંદગી સમિતિ આગામી વર્લ્ડ કપ માટે નવી ટીમ તૈયાર કરવા માંગે છે. યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ આ યોજનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને વનડેમાં પણ પોતાની દાવેદારી મજબૂત કરી છે. - શુભમન ગિલને મળી ચૂકી છે જવાબદારી
ભારતીય ટીમની કમાન ભવિષ્યના નેતા તરીકે શુભમન ગિલને સોંપવામાં આવી છે. આ નિર્ણયને પણ ટીમમાં પેઢી બદલાવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. - બે ફોર્મેટમાંથી લઈ ચૂક્યા છે નિવૃત્તિ
રોહિત શર્માએ 29 જૂન 2024ના રોજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં 2025માં તેમણે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી હતી.
કેપ્ટન તરીકે ભારતને અપાવ્યા 2 ICC ટાઇટલ
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારત 2023 વનડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. રોહિતે કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં 142 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાં ટીમને 103 જીત મળી. તેમની આગેવાનીમાં ભારતે એશિયા કપમાં પણ સફળતા મેળવી હતી. જો લોર્ડ્સ વનડે ખરેખર રોહિત શર્માની છેલ્લી મેચ સાબિત થાય છે, તો ભારતીય ક્રિકેટના એક યાદગાર અધ્યાયનો અંત આવી શકે છે.




Leave a Comment