યુવકને વોટ્સએપ પર ન્યૂડ વીડિયો કોલ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સાયબર ક્રિમિનલ્સે તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ પોતાને યુટ્યુબ અને સાયબર ક્રાઇમના અધિકારી તરીકે ઓળખાવી યુવકને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવ્યો હતો અને કુલ આશરે 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ન્યૂડ વીડિયો કોલ કરી સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું
વાડજ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. થોડા દિવસ પહેલા તેને વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. યુવકે કોલ રિસીવ કરતા સામે એક યુવતી નગ્ન અવસ્થામાં જોવા મળી હતી. કોલ કરનારે આશરે બે મિનિટના આ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવકને બે વીડિયો મોકલ્યા હતા. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વીડિયો ડિલીટ કરવા બદલ પૈસાની માંગણી કરવામાં આવી હતી. એક વીડિયો માટે 71 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. યુવકે તેમાંથી એક વીડિયો માટેની રકમ ચૂકવી દીધી હતી.
યુટ્યુબ અધિકારી બનીને ડરાવ્યો
થોડા સમય બાદ યુવકને બીજા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે યુટ્યુબનો અધિકારી હોવાનું કહી યુવકને ધમકાવ્યો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે વીડિયો અપલોડ થયો છે અને તેના કારણે સાત વર્ષની સજાવાળો કેસ બની શકે છે. આ પછી સાયબર ક્રાઇમ પણ તપાસ કરશે તેમ કહી યુવકને વધુ ડરાવવામાં આવ્યો હતો. આરોપીઓએ તેને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને પૈસાની માંગણી શરૂ કરી હતી.
કંપનીના એકાઉન્ટમાંથી 40 લાખ ટ્રાન્સફર કર્યા
આરોપીઓની ધમકીથી ડરી ગયેલા યુવકે કંપનીના એકાઉન્ટમાંથી 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ તેની પાસેથી વધુ 10 લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. જોકે, આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ આરોપીઓની પૈસાની માંગણી બંધ થઈ નહોતી. વધુ રકમની માંગણી થતાં યુવકે કંપની પાસેથી 21 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ દરમિયાન તેની સાથે બનેલી સમગ્ર ઘટનાની જાણ કંપનીના અધિકારીને થઈ હતી.



